‘અનુપમા’ ફેમ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીની રાજકારણમાં એન્ટ્રી, જાણો કઇ પાર્ટીમાં જોડાઇ ફેમસ એક્ટ્રેસ

‘અનુપમા’ ફેમ એક્ટ્રેસની રાજકારણમાં એન્ટ્રી:મોદી ફેન રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, કહ્યું- ‘આપણા વડાપ્રધાન એક સ્ટાર છે’

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીવીની જાણીતી અભિનેત્રી અને અનુપમા ફેમ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ રાજકારણમાં એન્ટ્રી કરી છે. રૂપાલી ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઇ છે. રૂપાલી હાલમાં અનુપમા સિરિયલનો ભાગ છે. રૂપાલીની સાથે ફિલ્મ નિર્દેશક અમય જોશી પણ ભાજપમાં જોડાયા છે. અમય એ ઘણી મરાઠી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. રૂપાલીએ દિલ્હી હેડક્વાર્ટરમાં ભાજપ પાર્ટીનું સભ્યપદ લીધું.

અભિનેત્રીએ આ પ્રસંગે કહ્યું- જ્યારે મેં વિકાસનો આ મહાયજ્ઞ જોયો ત્યારે મને લાગ્યું કે મારે પણ તેમાં ભાગ લેવો જોઈએ. મને તમારા આશીર્વાદ અને સમર્થનની જરૂર છે. હું જે પણ કરું તે યોગ્ય અને સારું હોવું જોઈએ. મોદીજી એક એવું વ્યક્તિત્વ છે જે બધાને સાથે રાખે છે. તેઓ એવા તમામ લોકોને સાથે લાવે છે જેઓ ઘણા વર્ષોથી ભાજપમાં જોડાયા નથી. તેમની કામ કરવાની રીત, તેમનું વ્યક્તિત્વ, જે રીતે તેઓ ભારતને વિકાસ તરફ લઈ ગયા છે.

આ બધું જોઈને દરેક ભારતીયને લાગે છે કે કાશ હું પણ મોદીજીની સેનામાં જોડાઈ શકું. મારે પણ મારા તરફથી, મારા દેશ માટે કંઈક કરવું જોઈએ. હું આ ફીલ કરુ છુ, એટલે સામેલ થઇ ગઇ. જણાવી દઇઇએ કે, રૂપાલી સિરિયલ ‘અનુપમા’ દ્વારા ટીવી ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. તે શોમાં લીડ કેરેક્ટર અનુપમાનું પાત્ર ભજવી રહી છે. ચાહકો તેને ખૂબ જ પસંદ કરે છે. રૂપાલીની લોકપ્રિયતા જબરદસ્ત છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 2.9 મિલિયન એટલે કે 20 લાખથી વધુ લોકો ફોલો કરે છે. રૂપાલી ફિલ્મ નિર્દેશક અનિલ ગાંગુલીની પુત્રી છે.

અભિનેત્રીએ તેની કારકિર્દી 7 વર્ષની ઉંમરે શરૂ કરી હતી.તેણે પોતાનો પહેલો રોલ પિતાની ફિલ્મ ‘સાહેબ’માં કર્યો હતો. પરંતુ રૂપાલીને 2003માં આવેલી સિરિયલ ‘સંજીવનીઃ અ મેડિકલ બૂન’થી ઓળખ મળી. આ પછી અભિનેત્રીએ ‘બિગ બોસ’ની સીઝન 1માં પણ ભાગ લીધો હતો. રૂપાલી ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’ જેવા હિટ શોનો પણ ભાગ રહી ચુકી છે. તેણે 2013માં સિરિયલ ‘પરવરિશ’ કર્યા બાદ 7 વર્ષનો બ્રેક લીધો હતો. આ પછી રૂપાલી ‘અનુપમા’થી ટીવીની દુનિયામાં પાછી ફરી. આ શોએ તો તેની લોકપ્રિયતા સાતમા આસમાને પહોંચાડી દીધી.

અંગત જીવનની વાત કરીએ તો રૂપાલીએ 2013માં બિઝનેસમેન અશ્વિન કે વર્મા સાથે લગ્ન કર્યા હતા. આ કપલને એક પુત્ર પણ છે. રૂપાલી ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રી તેમજ થિયેટરનો પણ ભાગ રહી ચુકી છે. તેણે વોઈસ ઓવર આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું છે. થોડા સમય પહેલા રૂપાલી પીએમ મોદીને પણ મળી હતી. રૂપાલીએ ઈન્ડિયા ટુડે સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં પોતાનો અનુભવ શેર કર્યો હતો. રૂપાલીએ કહ્યું, ‘મારા માટે વડાપ્રધાન એક સ્ટાર છે, જેમણે દેશને એક નવી ઉંચાઈ પર પહોંચાડ્યો છે. આજે હું ગર્વથી કહી શકું છું કે હું મોદીજીના દેશની છું. તે મારા હીરો છે.

જ્યારે મને ‘વોકલ ફોર લોકલ’ અભિયાનનો ભાગ બનવાની તક મળી ત્યારે હું ખૂબ જ રોમાંચિત થઇ હતી. મારા માટે એવી કોઈ વસ્તુ સાથે સંકળાયેલું હોવું એ બહુ મોટી વાત હતી જેમાં તેમનો આટલો ઊંડો વિશ્વાસ હોય. જો કે, રૂપાલીના રાજકારણમાં પ્રવેશ બાદ એક્સ હેન્ડલ પર એક યુઝરે લખ્યું, ‘આ આગામી સ્મૃતિ ઈરાની હશે.’ એકે લખ્યું, ‘હવે અનુપમા અહીં પણ ડ્રામા કરશે ! કારકિર્દી સમાપ્ત. એક યુઝરે કહ્યું, ‘હેમા માલિનીની ભાવિ રિપ્લેસમેન્ટ.’ જો કે ઘણા લોકો રૂપાલીના વખાણ કરી રહ્યા છે તો કેટલાક આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

રૂપાલીના રાજકારણમાં જોડાવાના સમાચાર સહ કલાકારો માટે ખૂબ જ આશ્ચર્યજનક હતા. અનુપમામાં કિંજલનો રોલ પ્લે કરનાર નિધિ શાહે દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં કહ્યુ, ‘રુપાલી મેમનું આ પગલું મારા અને સમગ્ર ટીમ માટે ખૂબ જ ગર્વની વાત છે. ભાજપે તેમને આ પદ માટે સન્માનિત માન્યા, રૂપાલીજીને પાર્ટીમાં સામેલ કર્યા, આ અમારા બધા માટે મોટી વાત છે. હા, તેમના રાજકારણમાં જોડાવાના સમાચાર થોડા આશ્ચર્યજનક હતા, પણ આ તેમનો શ્રેષ્ઠ તબક્કો છે. જે પણ કાર્ય કરે છે તેમાં ચોક્કસપણે સફળ થશે.

આ ઉપરાંત યશદીપનું પાત્ર નિભાવતા વકાર શેખે કહ્યુ- ‘રુપાલીના રાજકારણમાં જોડાવાના સમાચાર મારા માટે ખૂબ જ આશ્ચર્યજનક છે, ગઈકાલે રાત્રે જ અમે તેમનો જન્મદિવસ ઉજવ્યો. તેમણે આ અંગે કોઈ સંકેત પણ આપ્યો નહોતો. જો કે, મને ખાતરી છે કે તે જે રીતે લોકોનું મનોરંજન કરી રહી છે, તે દેશ પ્રત્યેની પોતાની જવાબદારી પણ સારી રીતે નિભાવશે.

કિંજલની માંનો રોલ પ્લે કરનાર તસ્નીમ શેખે કહ્યુ- ‘રુપાલી ખૂબ જ ક્રમબદ્ધ વ્યક્તિ છે. સાચું કહું તો મને ખાતરી હતી કે તે રાજકારણમાં જોડાશે. મેં તેને થોડા મહિના પહેલા પણ આ વાત કહી હતી. જે કહ્યું તે થયું. મારા તરફથી ઘણી શુભેચ્છાઓ. આ ઉપરાંત અનુપમા શોના નિર્માતા રાજન શાહીએ કહ્યું- અમને તેના પર ગર્વ છે. તે ખૂબ જ મહેનતુ છે. આપણને રાજકારણમાં સારી મહિલા નેતાઓની જરૂર છે. સ્મૃતિ ઈરાની જી પણ આપણા બધા માટે પ્રેરણા છે. હું રૂપાલીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

Shah Jina