અન્ના હજારેને નથી અરવિંદ કેજરીવાલની ધરપકડનું દુખ…બોલ્યા- ‘મારી વાત…’ જાણો સમગ્ર મામલો

દિલ્લીના કથિત લિકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલની ED દ્વારા ગત રોજ સાંજે ધરપકડ કરવામાં આવી છે, આ વચ્ચે સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ કેજરીવાલની ગિરફતારીને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. અન્ના હજારે કહ્યુ કે- મને દુખ થાય છે કે તેમણે મારી વાત ન સાંભળી. મુખ્યમંત્રી બન્યા બાદ મેં કેજરીવાલને નવી દારૂની નીતિને લઈને બે વખત પત્ર લખ્યા હતા. મને દુઃખ છે કે તેણે મારી વાત ન સાંભળી અને હવે તેની ધરપકડ કરવામાં આવી છે.

જ્યારે કેજરીવાલ અને મનીષ સિસોદિયા અમારી સાથે નવા જોડાયા હતા ત્યારે મેં તેમને કહ્યું હતું કે હંમેશા દેશના કલ્યાણ માટે કામ કરો. પરંતુ તેણે આ વાત ધ્યાનમાં રાખી નહીં. હવે હું તેને કોઈ સલાહ નહીં આપીશ. કાનૂન અને સરકારને જે કરવું હશે એ કરશે. જણાવી દઈએ કે દિલ્હીની નવી લિકર પોલિસી નવેમ્બર 2021માં લાગુ કરવામાં આવી હતી. પરંતુ આ નીતિ શરૂઆતથી જ વિવાદમાં રહી હતી. બાદમાં, દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવે એલજી વીકે સક્સેનાને એક રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં દારૂની નીતિમાં અનિયમિતતાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ મામલે સીબીઆઈએ કેસ નોંધ્યો હતો. ઈડીએ મની લોન્ડરિંગની તપાસ માટે કેસ પણ નોંધ્યો છે. દિલ્હીના આ કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ થનાર કેજરીવાલ ચોથા મોટા નેતા છે. તેમની પહેલા મનીષ સિસોદિયાની ગયા વર્ષે 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે જ 4 ઓક્ટોબરે EDએ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરી હતી. ત્યારબાદ આ મહિને 15 માર્ચે EDએ તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરની પુત્રી કે.કવિતાની પણ ધરપકડ કરી હતી.

હાલમાં કેજરીવાલ EDની કસ્ટડીમાં છે. તેને પીએમએલએ કોર્ટમાં રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. આ દરમિયાન કેજરીવાલના વકીલોએ તેમની ધરપકડને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી, પરંતુ હવે આ અરજી પાછી ખેંચી લીધી છે. કેજરીવાલના વકીલે કહ્યુ કે- કેજરીવાસની રિમાન્ડ અને સુપ્રીમ કોર્ટના સમક્ષ તેમની અરજી એકબીજાથી ક્લેશ કરી રહી હતી એટલે અરજી પાછી લેવાનો નિર્ણય કર્યો.

Shah Jina