આણંદ : ફરી એકવાર રખડતા પશુના આતંકે મૂક્યો નાગરિકનો જીવ જોખમમાં, વિખરેલી ગાય બની હિંસક- વૃદ્ધાને લાત અને શીંગડા માર્યા અને બચકા પણ ભર્યા

ગુજરાતમાં અનેક શહેરોમાં રખડતા પશુઓનો આતંક જોવા મળે છે. ઘણીવાર રસ્તા પર રખડતા પશુઓને કારણે જનતા તેનો ભોગ બનતી હોય છે અને તેમનો જીવ પણ જોખમમાં મુકાઇ જતો હોય છે. ત્યારે હાલ આણંદમાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધ મહિલા પર ગાયે હુમલો કર્યો જેને કારણે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. આણંદના ગામડી વડ પાસે આવેલ જૂની આઇસ ફેક્ટરી માર્ગ પરથી આ ઘટના સામે આવી છે. આણંદમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. પશુપાલકો પાલતુ પશુને સવારો છોડી જાય છે અને પછી રાત્રે લઇ જાય છે, આવું હોવા છત્તાં અધિકારીઓ દ્વારા કોઇ નક્કર પગલા લેવામાં આવતા નથી.

થોડા દિવસ પહેલા જ એક વૃદ્ધનું રખડતા ઢોર દ્વારા હુમલો કરવામાં આવતા મોત નિપજ્યુ હતુ. જ્યારે એક અન્ય કિસ્સો સામે આવ્યો હતો જેમાં 6 મહિનાની ગર્ભવતી મહિલા પર ગાયે હુમલો કર્યો હતો. ત્યારે ફરી એકવાર રખડતા પશુ દ્વારા નાગરિક પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ અંહે તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે જે વૃદ્ધા પર ગાય દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તે પેટલાદથી સંબંધની ત્યાં કોઇ કામે આવ્યા હતા અને આ દરમિયાન તેઓ ગાયના હુમલાનો ભોગ બન્યા હતા.

ઘટનાની વિગત તપાસીએ તો તેઓ આણંદ કલ્પના ટોકીઝ પાસે આવતા હતા ત્યારે એક વિફરેલી ગાયે અચાનક તેમના પર હુમલો કર્યો હતો અને આને લીધે તેઓ ડઘાઈ ગયા હતા અને જમીન ઉપર પછડાયા હતા. આ દરમિયાન તેઓ કંઇ સમજી શકે તે પહેલા ગાય દ્વારા તેમને લાત અને શીંગડા મારવામાં આવ્યા અને બચકા ભરવા પ્રયત્નો કરતા ઇજાગ્રસ્ત મહિલા હરખાબેન અને તેની વહુઓ દ્વાર બચાવો બચાવો અને ચિચાયારીઓ કરતા આસપાસના રહીશો ભેગા થયા હતા.

જ્યાં એક યુવાને આસપાસ પડેલ ગેસ સિલિન્ડરની પાઈપ દ્વારા ઉપરાછાપરી ઝાટકણી કરતા માંડ માંડ તે ગાય ભાગી હતી. ઘટનાની જાણ થતા જ આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલે ગાયને ઝડપી લઈ પાંજરાપોળ મોકલવાના આદેશ આપ્યા હતા અને રૂબરૂ ઈજાગ્રસ્ત મહિલા અને તેના પરિવારને મળ્યા હતા. આ ઉપરાંત તેમણે સારવાર સહિત અન્ય કોઈ મદદની જરૂર હોય તો તે પુરી પાડવા પણ જણાવ્યું હતું.

Shah Jina