સંસ્કારી નગરીમાં ધામધૂમથી વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો….અમેરિકામાં પિત્ઝા-બર્ગર ખાઈને મોટા થયેલા NRI ભાઈ-બહેન લેશે દીક્ષા
દીક્ષાનું જૈન સમાજમાં અનેરું મહત્વ છે. ઘણા લોકો એવા છે જેઓ કરોડોની સંપત્તિ ત્યજી સંયમના માર્ગે ચાલી નીકળે છે. ઘણા કિસ્સામાં તો આખો પરિવાર જ દીક્ષા લઇ લેતો હોય છે. ત્યારે હાલમાં વર્ષોથી અમેરિકામાં રહેતા એક પરિવારીની દીકરી અને દીકરો બંને દીક્ષા લેવા જઈ રહ્યાં છે. આ બંનેનો જન્મ અમેરિકામાં થયો હતો અને બંનેનો ઉછેર પણ અમેરિકામાં જ થયો છે. આ ઉપરાંત બંનેનો દીક્ષા લેવાનો નિર્ણય પણ તેમણે જાતે જ લીધો છે.
વિદેશમાં પિત્ઝા-બર્ગર ખાઈને ઉછરેલા ભાઇ-બહેન સંયમના માર્ગે ચાલી નીકળ્યા છે. ત્યારે ગત રોજ વડોદરામાં અલકાપુરી જૈન સંઘના દીક્ષાર્થીઓનો વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો હતો, જે પંન્યાસ આગમચંન્દ્રસાગર મહારાજની નિશ્રામાં નીકળ્યો હતો. રત્નસુંદરસુરી મહારાજના ચાતુર્માસની ઉપલબ્ધિ સ્વરૂપે બે બાળકો દીક્ષા લેવા જઈ રહ્યાં છે. મુમુક્ષુ કરણ અને મુમુક્ષુ તાન્યા વિશે પરિવારના સભ્ય વિનીતભાઈ શાહે જણાવ્યું કે, તેઓ પરિવાર સાથે અમેરિકાથી આવ્યા છે અને તેમના પરિવારમાં કોઈને દીક્ષાર્થી વિશે ખબર ન હતી.
કરણ અને તાન્યા પરિવારમાં દીક્ષા લેનાર પ્રથમ વ્યક્તિ હશે તેવું તેમણે જણાવ્યુ હતુ. બંને છેલ્લાં પાંચેક વર્ષથી આધ્યાત્મિક જ્ઞાન મેળવી રહ્યા હતા, અને તેમણે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો હતો. તે બાદ તેમણે જાતે જ સંયમના માર્ગે જવાનો નિર્ણય કર્યો. વિનિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ચાર પેઢીથી તેમને ખબર નથી કે કોઈ દીક્ષાર્થી હોય, કરણ અને તાન્યા પરિવારમાં પ્રથમ દીશા લેનારા હશે. મુમુક્ષુ કરણ તથા મુમુક્ષુ તાન્યાએ અલકાપુરી જૈન સંઘના દેરાસરમાં શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દર્શન કર્યા અને તે બાદ તેમનો વર્ષીદાનનો વરઘોડો બેન્ડ-બાજા સાથે ઠાઠમાઠથી નીકળ્યો હતો.