ગુજરાતમાં વાવાઝોડું અને વંટોળ જેવા માહોલ સાથે માવઠું થયું અને તે બાદ ઠંડીનો માહોલ જોવા મળ્યો. ઉત્તર ભારત પરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હતું તેના ટ્રફ ગુજરાતને અડીને પસાર થતા તેની અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના ભાગોમાં જોવા મળી હતી. અમદાવાદની સાથે સાથે ગાંધીનગર અને બીજા કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
ત્યારે માવઠા બાદ અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યુ કે 6 માર્ચ સુધી ઠંડીનો રાઉન્ડ આવશે અને રાત્રીના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગો ઠંડીની અસર વધુ રહેશે અને લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. 6 માર્ચ સુધી ઠંડીનો ચમકારો રહેશે અને શિવરાત્રી સુધી ઠંડા પવનો ફૂંકાશે.
આ ઉપરાંત તેમણે આગળ જણાવ્યુ કે- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે, ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાશે. અમદાવાદ તેમજ ગાંધીનગરમાં પવનની ગતિ વધુ રહેશે અને કોઈ-કોઈ ભાગોમાં આંચકાનો પવન રહેશે. શિવરાત્રીમાં ઠંડા પવનો આવશે. બાગાયતી પાકો પર પવનની અસર વધુ થશે.