રાજ્યમાં કેટલાક જિલ્લાઓ અને વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જ્યારે ક્યાંક હજુ પણ લોકો વરસાદની રાહ જોઇ રહ્યા છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે પરંતુ અમદાવાદ સહિત અનેક એવા જિલ્લાઓ છે જ્યાં હજી લોકો સારા વરસાદની રાહ જોઇ રહ્યા છે.
ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલ અનુસાર, આજે ઘણાં વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. 24 જુલાઈ સુધી ઉત્તર મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. વડોદરા, આણંદ, નડીયાદ, કપડવંજ, જમ્મુસર, પંચમહાલ તેમજ મહીસાગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ જ્યારે રાધનપુર અને કાંકરેજના ભાગોમાં ઝાપટાંની શક્યતા છે.
જૂનાગઢ તેમજ અમરેલી અને સાથે સાથે કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યુ- આ વખતનું ચોમાસું નબળું છે. મધ્યપ્રદેશમાં સારો વરસાદ રહેતા નર્મદા અને તાપી નદીના જળસ્તર વધી શકે છે. જો કે ધીરે ધીરે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનું જોર ઘટશે.