અંબાલાલ પટેલની માવઠાને લઇને આગાહી, માર્ચ જ નહીં એપ્રિલમાં પણ…

અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી- માર્ચમાં નહીં આ ગરમીના મહિનામાં પણ કરા સાથે વરસાદ પડશે

ગુજરાતમાં ગત રોજ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર જબરદસ્ત પવન ફૂંકાવા સાથે સાથે કેટલાય વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો. જો કે, આ ઉપરાંત કેટલાક સ્થળે કરા પણ પડ્યા હોવાનું સામે આવ્યું. ત્યારે શિયાળાને વિદાય લીધા બાદ ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે પરંતુ આ દરમિયાન કમોસમી વરસાદ થતા ખેડૂતો પણ મૂંઝવણમાં મૂકાયા છે અને પાકને પણ માવઠાને કારણે નુકશાન થયુ છે. ત્યારે હવે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે ચિંતાજનક છે.

દૈનિક જાગરણ સાથે વાત કરતા અંબાલાલ પટેલે કહ્યુ કે, માત્ર માર્ચમાં જ નહીં પરંતુ એપ્રિલ માસમાં પણ કમોસમી વરસાદ પડશે. આ આગાહી ખેડૂતો માટે ચિંતાજનક છે. અંબાલાલ પટેલ અનુસાર, પશ્ચિમી વિક્ષેપો, સાગરના ભેજ અને ગ્રહોના આધારે જોતા માર્ચ મહિનાના દિવસોમાં અષાઢી માહોલ જોવા મળશે. 12 તારીખથી વાદળો ફરી આવશે અને 14થી 17 તારીખમાં માવઠા પડવાની સંભાવના છે. આ માવઠા ઉત્તર- મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પડશે. જે પછી તારીખ 25થી28 માર્ચના રોજ સાગરમાં ઊંચા મોજા ઉછળશે અને આ દિવસોમાં પુન:માવઠું થશે.

તેમણે વધુમાં કહ્યુ કે, માર્ચ જ નહિ એપ્રિલ પણ આવો રહેશે. 3 એપ્રિલે અને 8 એપ્રિલે હવામાનમાં પલટો આવશે અને 14 એપ્રિલ સુધીમાં ફરી અષાઢી માહોલ જોવા મળશે. આ ઉપરાંત તેમણે આદમિયા કરા સાથે કમોસમી વરસાદ પડવાની પણ આગાહી વ્યક્ત કરી છે. જણાવી દઇએ કે, આ પહેલા હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે રાજ્યમાં આગામી દિવસમાં ગરમીનો પારો વધશે અને 4 દિવસ સૂકું વાતાવરણ રહેશે. હાલ તો વરસાદની આગાહી નથી પણ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થશે.

ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે અને આની અસર ગુજરાતના વાતાવરણ પર થશે અને આને લઇને ગુજરાતમાં ફરી માવઠું થશે. હવામાન વિભાગના ડાયરેકટર અનુસાર, ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે અને તેના કારણે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે, તેમજ કચ્છમાં હિટવેવ રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 13મી માર્ચે વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદ વરસી શકે છે. 13 માર્ચ સિવાય 14 માર્ચના રોજની પણ માવઠાની આગાહી કરવામાં આવી છે.

Shah Jina