અજમેરના મેળામાં ઘટી ભયાનક દુર્ઘટના, 30 ફૂટ ઉપરથી રાઈડ ધડામ કરીને નીચે પટકાઈ.. લોકોની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યું વાતાવરણ, જુઓ વીડિયો

રાઇડમાં કેબલ તૂટ્યો, 30 ફૂટની ઊંચાઈથી નીચે પડી રાઈડ, 7 બાળકો સહીત 15 લોકો હોસ્પિટલ ભેગા થયા, હિમ્મત હોય તો જ જોજો આ વીડિયો

જ્યારે આપણી  આસપાસ મેળાનું આયોજન થાય છે ત્યારે આપણે તેમાં સહભાગી થવા માટે અચૂક જતા હોઈએ છીએ. બાળકોને પણ મેળામાં જવું અને ત્યાં આવેલી અવનવી રાઇડોમાં બેસવાનું ખુબ જ પસંદ હોય છે. તો ઘણા પ્રવાસન સ્થળો પણ આવી અવનવી રાઈડ જોવા મળતી હોય છે અને તેમાં બેસીને અનેરો આનંદ માણવાની મજા પણ આવતી હોય છે. પરંતુ ઘણીવાર આવી રાઇડોમાં બેસવું જોખમકારક પણ બનતું હોય છે.

ઘણી વાર ખબર આવે છે કે રાઈડ તૂટવાના કારણે કેટલાય લોકો ઘાયલ થાય છે અને કેટલાય લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે હાલ એવી જ એક ઘટના અજમેરમાંથી સામે આવી છે.  અજમેરમાં 30 ફૂટની ઊંચાઈએથી કેબલ તૂટવાને કારણે એક રાઈડ ધડામ દઈને નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં 15 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. ઘટના મંગળવાર સાંજની છે.

લોકો રાઈડ પર સવાર હતા. આ દરમિયાન કેબલમાં અચાનક બ્રેક લાગવાથી રાઈડ નીચે પટકાઈ હતી.  અકસ્માતને પગલે સર્વત્ર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સાંજે લગભગ 6.15 વાગ્યે રાઈડમાં 25 લોકો બેઠા હતા. અચાનક કેબલ તૂટી ગયો અને તે ધડામ દઈને 30 ફૂટની ઊંચાઈથી નીચે પડી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાત બાળકો સહિત 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને JLN હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

સિવિલ લાઇન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત બાદ એકાએક ચકચાર મચી ગઈ હતી. દુકાનો અને સ્ટોલ બંધ હતા. રાઈડ ઓપરેટર અને ઓર્ગેનાઈઝર સ્થળ પરથી નાસી ગયા હતા. અજમેરના કુંદન નગર વિસ્તારમાં 27 ફેબ્રુઆરીએ આયોજિત ‘દરબાર ડિઝનીલેન્ડ’ નામના મેળામાં લોકો માટે ઝૂલાઓ અને ઘણી મજેદાર રાઇડ્સ હતી. આ મેળો 28 માર્ચે પૂરો થવાનો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઝૂલો કેબલની મદદથી ઉપર ચઢ્યો હતો. તેની મદદથી તે નીચે ઉતરે છે.

આવી સ્થિતિમાં કેબલ ખુલવા કે તૂટવાને કારણે આ અકસ્માત થયો છે. જો કે સાચુ કારણ તપાસ બાદ જ બહાર આવશે. એડીએમ સિટી ભાવના ગર્ગે કહ્યું કે, દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ અકસ્માત કેવી રીતે થયો, અકસ્માતનું કારણ શું હતું વગેરેની તપાસ કરવામાં આવી રહી છે. સિવિલ લાઈન સ્ટેશન ઈન્ચાર્જ દલબીર સિંહે જણાવ્યું કે કેસ નોંધ્યા બાદ મેળાને સીલ કરી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.

Niraj Patel