અમદાવાદમાં અયોધ્યાના રામ મંદિરમાં જશે વધુ એક વસ્તુ, 5 લાખનો ખર્ચ અને 5 દિવસની મહેનતથી બન્યું “અજયબાણ”, જુઓ તસવીરો

અયોધ્યામાં રામ મંદિરમાં અમદાવાદથી જશે “અજયબાણ” અંબાજીમાં કરવામાં આવી પૂજા, જાણો તેના વિશેની રોચક વાતો…

Ajayban make in Ahmedabad : અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને હવે એક મહિનો પણ બાકી નથી રહ્યો. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલા ગાદી પર બિરાજમાન થશે ત્યારે આ ક્ષણ દરેક દેશવાસી માટે ગૌરવ ભરેલી ક્ષણ હશે. રામ મંદિરમાં ગુજરાતનો પણ ખુબ જ મોટો ફાળો રહ્યો છે. ત્યારે હવે વધુ એક ખબર સામે આવી છે, જેમાં અમદાવાદમાં જગત જનની માં અંબામા અતૂટ આસ્થા ધરાવતા માઇભક્ત ગ્રુપ એવા જય ભોલે ગ્રુપ દ્વારા પૌરાણિક ધર્મગ્રંથોમાં વર્ણવેલ શક્તિબાણ – અજયબાણની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં બન્યું અજયબાણ :

આ અજયબાણને અયોધ્યા રામ મંદિરમાં અર્પણ કરતા પહેલા શક્તિપીઠ અંબાજી ગબ્બર ખાતે મા અંબાની અખંડ જ્યોત સમક્ષ 51 શક્તિપીઠના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે અજયબાણની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે જયભોલે ગ્રુપ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા. પૌરાણિક કથા અનુસાર જોઈએ તો અજયબાણ સાથે શક્તિપીઠ અંબાજીનું અનેરું અનુસંધાન જોવા મળે છે.

અંબાજી સાથે છે અનોખું અનુસંધાન :

ત્રેતાયુગમાં જ્યારે પ્રભુ શ્રી રામ અને તેમના ભાઈ લક્ષ્મણ ઋષિ શૃંગીને મળ્યા ત્યારે ઋષિ શૃંગીએ રાવણ સાથેના યુદ્ધમાં ભગવાન રામની જીત માટે શ્રી રામને આદ્યશક્તિ મા જગદંબાની પૂજા કરવાનું અને તેમને પ્રસન્ન કરવાનું સૂચન કર્યું હતું. ભગવાન શ્રી રામે મા જગદંબાનું શ્રદ્ધાપૂર્વક જપ તપ પૂજન કર્યું. આથી આદ્યશક્તિ મા અંબાએ ભગવાન શ્રી રામને વિજયનું વરદાન આપ્યું અને આશીર્વાદ સ્વરૂપે તેમને એક બાણ આપ્યું.

5 લાખનો થયો છે ખર્ચ :

આ બાણ એ જ “અજય બાણ” જેના થકી પ્રભુ શ્રી રામે દશાનન રાવણનો સંહાર કર્યો. આ વાતનો ઉલ્લેખ માતાજીની આરતીના શબ્દો ‘રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા, ઓમ જયો જયો મા જગદંબે’માં પણ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ અજયબાણની લંબાઈ 5 ફૂટની છે, જયારે તેનું વજન  11.5 કિલોગ્રામ છે. જેને પંચધાતુમાંથી બનાવવામાં આવ્યું છે. આ અજયબાણ બનાવવામાં અંદાજીત 5 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.

Niraj Patel