કોર્ટે આરોપી આરિફને 10 વર્ષની સજા આપી, સરકારે આ ગુના માટે જો ફાંસી રાખી હોત તો…આયશાના પિતાએ ભાવુક થઈને કહ્યું

25 ફેબ્રુઆરી 2021ના રોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આયશા નામની યુવતિએ પતિના ત્રાસને કારણે આપઘાત કર્યો હતો.  મરતા પહેલા તેણે એક વીડિયો રકોર્ડ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થયો હતો. ત્યારે હવે આયશાને આપઘાત માટે મજબુર કરનાર તેના પતિને સજા પણ સંભળાવવામાં આવી છે.

આયશાના વીડિયોને આધારે કોર્ટે આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે આ ઘટનામાં નોંધ્યુ કે, ઘરેલુ હિંસા ઘટાડવા માટે આરોપીને બક્ષી ન શકાય. કોર્ટે આ કેસમાં એ પણ નોંધ લીધી હતી કે તેનો ગર્ભપાત થયો હતો. આ ઉપરાંત તેની આત્મહત્યાને દુખદ પણ ગણાવી હતી. આયશાએ વીડિયો રેકોર્ડ કર્યા બાદ હસતા મોઢે મોતને વહાલુ કરી લીધુ હતુ.

ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા આયશાના પિતા લિયાકત અલી મકરાણી સાથે પણ વાતચીત કરવામાં આવી હતી અને તેઓ પણ વાત કરતા કરતા ભાવુક થયા હતા. તેમને જણાવ્યું હતું કે, “એ મારી ખૂબ જ નજીક હતી. એની મમ્મીની પણ નહીં. તમે વીડીયો પણ જુઓ તો એણે મને સંબોધન કર્યું હતું, બીજા કોઈને નહીં. એનું કારણ એ હતું કે હું જે કહેવા માગું છું એ મારા પપ્પા સિવાય દુનિયાનો કોઈ માણસ સમજી શકશે નહીં.”

લિયાકત મકરાણીએ કહ્યું કે કોર્ટે આરોપી આરિફને 10 વર્ષની સજા આપી. સરકારે આ ગુના માટે જો ફાંસી રાખી હોત તો સેશન્સ કોર્ટ એને ફાંસી આપત, પરંતુ પ્રાવધાન અનુસાર જજ સાહેબે જેટલી સજા હતી એટલી પૂરી આપી છે. એક બાબત હું સમાજ અને સરકારને કહેવા માંગુ છું કે કલમ 306માં 10 વર્ષની સજા ઓછી છે. હત્યા બે રીતે થાય છે એકમાં માણસ ઈરાદા સાથે હથિયાર લઈને હત્યા કરી નાખે છે. એક હત્યા એ હોય છે જે અચાનક થઇ જાય છે. પણ કલમ 306માં માણસ ઈરાદાથી સામેવાળાને મારી નાખે છે. આરિફ 350 કિલોમિટર દૂર બેઠો હતો ને આયશા અમદાવાદના રિવરફ્રન્ટ પર હતી. એણે શબ્દોના બાણ ચલાવ્યા.તે એક મિસાઈલની માફક એની ઉપર વાર કરતો રહ્યો. આયશાના દિલના ટુકડે ટુકડા ના થઇ જાય ત્યાં સુધી એ બોલતો રહ્યો હતો.”

આયશાના પિતાએ એમ પણ જણાવ્યું કે “એણે આયશાને મરવા માટે મજબૂર કરી દીધી. હું સમાજ, સરકાર અને કોર્ટને કહીશ કે તેણે એ રીત શોધી છે, જે એક પેશેવર કાતિલ પણ ના વિચારી શકે. એને એવી રીત વાપરી કે હું એને મારી પણ નાખીશ અને કાયદાથી બચી પણ જઈશ. એટલા માટે જ એણે એ વીડિયો આયશા પાસે બનાવડાવ્યો અને તેને વાઇરલ કર્યો. એ તો સારું છે કે ફોનમાં રેકોર્ડિંગ હતું. એને મરતાં પહેલા મારી સાથે વાત કરી તો પુરાવા મળી ગયા. સરકારે એના ઈરાદાને જોવો જોઈએ અને એમાં તો સજા ફાંસી જેવી થવી જોઈએ પણ કોર્ટના ચુકાદાથી હું ખૂબ ખુશ છું. કોર્ટનું સન્માન કરું છું. ચુકાદો મારી સર આંખો પર. સરકારના કાયદા મુજબ કોર્ટે સજા આપી છે. કાયદો હોત તો ફાંસી કે આજીવન કેદ પણ થાત. ઠીક છે, જે થયું એ બરાબર છે.

“તમે વિચારો એક માણસે કહ્યું કે વીડિયો બનાવીને મોકલ. મને તારી કોઈ પરવા નથી, અને એણે વીડિયો આપ્યો. એ રાહ પણ જુએ છે કે શું આ મને કહેશે કે આવું (આત્મહત્યા) ના કર. અમુક કલાક એ રિવરફ્રન્ટમાં એકલી આંટા મારતી રહી. અરે યાર, મર્દ હોત તો એ પણ મરી જાત તો આ તો ઔરત હતી. ભગવાને એની અંદર તો મમતા રાખી છે. અને સ્ત્રી દુનિયાના તમામ દુઃખ સહન કરી શકે છે, જો તેનો પતિ તેની સાથે હોય તો. પતિ એની સાથે ના હોય અને દુનિયા એની સાથે હશે તો પણ એ મરી જશે. આવું જ આયશાની સાથે થયું. દીકરીઓને હું કહું છું કે આયશાને આઈડલ ના બનાવશો, આયશા આઈડલ નથી. એ તો સમાજ માટે એક મિસાલ બનાવીને ગઈ છે. કોઈ દીકરી આવી રીતે આઈડલ ના બને કે આયશા જેવું હું કરી લઉં. તમે લડો. એ તો લડવાવાળી છોકરી હતી.

આયશાના વીડિયોના એક એક શબ્દમાં અર્થ હતો. મે હજી સુધી પૂરો વીડિયો નથી જોયો. હજી મારી હિંમત નથી થતી કે હું વીડિયો જોઉં. કોર્ટમાં પણ વીડિયો ચલાવ્યો તો જજ સાહેબને હાથ જોડીને નિવેદન કર્યું તો બંધ કરી દીધો હતો. મેં વીડિયો નથી જોયો, પણ જેણે જોયો છે એ લોકો મને પૂછી રહ્યા છે કે આયશા તમને જે વાત કરી રહી છે તેનો શું મતલબ છે? તમારી છોકરી શું સાઈકોલોજીક ભણતી હતી. મારી દીકરી ઈકોનોમિક્સમાં એમએ કર્યુ હતુ. તેને તો પીએચડી કરીને પ્રોફેસર બનવું હતું. એક મુસ્લિમ છોકરી પીએચડી કરે તો તે સમાજ માટે ઉદાહરણ બનતું. બીજી છોકરીઓ માટે પણ ઉદાહરણ બનતું અને બની શકે કે આગળ જઈને તે દેશ માટે પણ કંઈક કરી શકત.

હું દીકરીઓને એ કહેવા માગું છું કે હવે મજનુ-ફરાદનો જમાનો નથી, જે સીરીન અને લૈલા માટે જીવ આપતા હતા. હવે તો એવા કાતિલ ફરે છે જે લૈલાઓના જીવ લે છે. આવા લોકોથી બચો. તમારા મા-બાપથી વધારે તમારી માટે સારું કોઈ વિચારી જ ન શકે. બધી દીકરીઓને કહેવા માંગું છું એવા લોકોની જાળમાં ન ફસાવ.

આરિફ સાથે વાતચીત થાય છે ? જેના જવાબમાં લિયાકત મકરાણીએ કહ્યું કે મારે તેની સાથે શું વાત થાય ? તે આવે છે. તેના પિતા પણ આવે છે. તેના પિતા લોકો દ્વારા ફોન કરાવીને મને કહે છે કે ત્રીજો રસ્તો કાઢો. મારી પાસે તેનું રેકોર્ડ પણ છે. મારા મામા પણ મને ફોન કરીને પૈસા લઈને સમાધાન કરવાની વાત કરે છે. હજી પણ તેમને કરેલા ગુનાનો કોઈ પસ્તાવો નથી. તેમને મહેસૂસ નથી થતું કે તેમણે કેટલો મોટો ગુનો કર્યો છે. શું અમે પૈસાના ભૂખ્યા છીએ? તમે અમારી પાસેથી પૈસા લઈને ગયા છો અમને શું પૈસા આપવાના હતા. અહીંયા પૈસા આપવાવાળાની લાઈન લાગી હતી.

(સૌજન્ય: દિવ્ય ભાસ્કર)

Niraj Patel