અમદાવાદમાં બાપાના પૈસાથી લેર કરતા નબીરાઓ ભાન ભૂલ્યા, કારની રેસ લગાવી ફૂટપાથ ઉપર સુતેલ માસુમ લોકોને કચડ્યા, 1 મહિલાનું મોત

દેશમાંથી હિટ એન્ડ રનની ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે. થોડા સમય પહેલા જ રાજકોટના એક પરિવાર ચાલીને ચોટીલા જઈ રહ્યો હતો ત્યારે જ તેમને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એક બાળકી સહીત તેના કાકાનું મોત થયું હતું. ત્યારે હવે બીજો એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે ગઈકાલે મોડી રાત્રે એક કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળી હતી, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે. ફૂટપાથ ઉપર સુતેલા લોકોને કચડ્યા બાદ કારચાલક સહિત અન્ય 4 લોકો પણ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ત્યારે આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ હાલમાં અકસ્માત સર્જનાર વ્યક્તિની શોધખોળ કરી રહી છે.

આ બાબતે મળી રહેલા વધુ માહિતી પ્રમાણે અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા બીમાનગર નજીક ફૂટપાથ પર સોમવારે મોડી રાત્રે લોકો સૂઈ રહ્યા હતા. ચોમાસાનો સમય હોય વરસાદથી બચવા માટે તેમને ફુટપાથનો સહારો લીધો હતો, પરંતુ ત એમને સપનામાં પણ વિચાર નહોતો આવ્યો કે તેમની સાથે શું બનવાનું છે.

મોડી રાત્રે કાળ બનીને આવેલી GJ 01RU 8964 નંબરની આઈ ટવેન્ટી કાર આ લોકો પર ફરી વળી હતી. આ એક્મતમાં જમવાનું બનાવી રહેલી સંતુબેન નામની એક મહિલાને કારે કચડી નાખતા તેમનું મોત નીપજ્યું છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ચાર ઈજાગ્રસ્તો પૈકી બે બાળકો પણ હતા. ઈજાગ્રસ્ત બાળકોને નાના-મોટી ઈજાઓ થતા શેલ્ટર હોમમાં ખસેડી ત્યાં સારવાર શરૂ કરવામાં આવી છે. આ તરફ અકસ્માત સર્જી કાર ચાલક પોતાની કાર રેઢી મૂકી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં રોડ ઉપર પડેલા બીજા વાહનોને પણ નુકશાન પહોંચ્યું હતું.

આ બાબતે મીડિયાનું માનીએ તો કારમાં એ સમયે ચાર લોકો બેઠા હતા, જ્યારે બીજી એક કાર પણ ત્યાંથી પસાર થઇ રહી હતી. એવું જાણવા મળ્યું છે કે બંને કાર વચ્ચે રેસ લાગી હતી. એ સમય એક કાર ફૂટપાથ પર ફરી વળી અને ફૂટપાથ ઉપર રહેલા લોકોને કચડી નાખ્યા હતા. પોલીસ હવે કારના આધારે આ અકસ્માત કોણે સર્જ્યો છે તેની તપાસ કરી રહી છે.

Niraj Patel