અમદાવાદમાં પટેલ પરિવાર માથે આભ ફાટ્યું: પહેલા દીકરાએ કરી લીધો હતો આપઘાત, ખબર સાંભળીને પિતાએ પણ કરી લીધું મોતને વહાલું

દેવું વધી જવાના કારણે દીકરાએ કર્યો આપઘાત? તો બીજા જ દિવસે પિતા પણ આઘાત સહન ના કરી શક્યા અને ગળે ટુંપો ખાઈને જીવન ટૂંકાવ્યું

ગુજરાતમાંથી આપઘાતના સતત કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણા પરિવારો આર્થિક સંકળામણમાં આવીને આપઘાત કરતા હોવાની ઘટનાઓ સામે આવે છે ત્યારે હાલ અમદાવાદના બોપલ વિસ્તારમાંથી આવેલી એક પિતા પુત્રના આપઘાતની ખબરે ચકચારી મચાવી દીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બોપલમાં રહેતા અને મૂળ સાવરકુંડલાના અલ્પેશ પલાણ નામના યુવકે ગત 5 સપ્ટેમ્બરે સરખેજ ખાતે આવેલી પોતાની ઑફિસમાં સુસાઇડ નોટ લાખીને ગળે ટુંપો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. તો બીજી તરફ પુત્રના આપઘાત કરવાના આઘાતમાં આવી ગયેલા પિતા બળવંતભાઈએ પણ બીજા જ દિવસે ગળે ટુંપો ખાઈને પોતાના પ્રાણ આપી દીધા હતા.

અલ્પેશ પલાણ દ્વારા ક્યાં કારણો સર આપઘાત કર્યો હોવાનો હજુ ખુલાસો નથી થઇ શક્યો. આપઘાત કરતા પહેલા તેને એક સુસાઇડ નોટ લખી હતી, જેની અંદર જણાવ્યું હતું કે, “હું મારી મરજીથી મારા અંગત કારણોસર આ પગલું ભરું છું, જેથી કોઈને હેરાન ના કરશો..” આ સુસાઇડ નોટના મથાળે “પોલીસ માટે નોંધ” એવું પણ લખવામાં આવ્યું હતું.

તો આ બાબતે મીડિયા રિપોર્ટ અનુસાર પુત્ર અલ્પેશના આપઘાત કરવા પાછળનું પ્રાથમિક કારણ દેવું થઈ જતાં આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. જોકે સરખેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ વૃદ્ધ પિતા બળવંતભાઈએ આપઘાત કરી લેવાના કેસમાં બોપલ પોલીસે પરિવારના નિવેદન લઇ અન્ય કોઈ કારણ છે કે નહિ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Niraj Patel