ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. છેલ્લા ઘણા સમયથી હત્યાના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. કોઇની અંગત અદાવતમાં તો કોઇની પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધોમાં હત્યા કરી દેવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી હત્યાનો ઘણો જ સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના વસ્ત્રાલમાં કર્ણાવતી રોડ પર હત્યાનો બનાવ બનતા નાસભાગ મચી જવા પામી હતી.

જાહેર રોડ પર જ ફિલ્મી દિલધડક દ્રશ્યો સર્જાયા હતા અને તેને કારણે લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. કારમાં આવેલા બે લોકોએ ત્રિપલ સવારીમાં જતાં બુલેટને ટક્કર મારી અને બાદમાં ફાયરિંગ કરી હત્યા નિપજાવી. પહેલા તો ટક્કરને કારણે આ અકસ્માત હોવાનું લાગી રહ્યુ હતુ પરંતુ પાછળથી ફાયરિંગ પણ કરવામાં આવ્યુ જેને કારણે આ મામલો હત્યાનો હોવાનું જાણવા મળ્યુ. આસપાસના વિસ્તારોમાં આ સરેઆમ હત્યાના મામલે ફફડાટનો માહોલ છે.

ઘટનાની જાણ થયા બાદ જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંતી તો એક જીવતો કારતૂસ કબ્જો કરવામાં આવ્યો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી. પ્રાપ્ત માહિતી પ્રમાણે જન્મદિવસની પાર્ટીમાં મિત્રો વચ્ચે ઝઘડો થયો હોવાને કારણે અદાવત રાખી આ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. ત્રણ યુવકો બુલેટ બાઇક પર વસ્ત્રાલના કર્ણાવતી રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે જ અચાનક આવેલી એક કારે બુલેટને ટક્કર મારી અને યુવકોને રોકવા પ્રયાસ કર્યો,

તે બાદ તેઓએ ફાયરિંગ કર્યુ. જેને પગલે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આરોપી ફાયરિંગ કરી હત્યા નિપજાવી ફરાર થઇ ગયા હતા. પ્રથમ દ્રષ્ટિએ એવું લાગ્યું હતું કે આ અકસ્માત છે, પણ અકસ્માત બાદ આસપાસના લોકો કંઇક સમજે તે પહેલા જ કારમાં આવેલા શખ્સે ફાયરિંગ કર્યું. બુલેટ બાઇકની જે તસવીર સામે આવી છે, તેમાં જોવા મળી રહ્યુ છે કે, બુલેટનું તો પડીકું વળી ગયું છે.