કન્ટેનર પાછળ ઘૂસી ગઇ લક્ઝુરિયસ SUV કાર, દર્શન કરીને સુરત જઈ રહેલા પરિવારના 4 લોકો ત્યાં જ તડપી તડપીને મર્યા, જુઓ દર્દનાક તસવીરો
ગુજરાતમાંથી ઘણીવાર ગમખ્વાર અકસ્માતના કિસ્સા સામે આવે છે, જેમાં કેટલાક લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે આજે વહેલી સવારે વડોદરા નજીક કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી. આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે ઘટનાસ્થળે જ 4 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જરોદ પોલીસ અને NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું. અકસ્માતને લઇને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ઉજ્જૈન અને પાવાગઢથી દર્શન કરીને સુરત જઈ રહેલા પરિવારને વડોદરાના વાઘોડિયાના જરોદ પાસે આજે સવારે અકસ્માત નડ્યો હતો અને આ અકસ્માતમાં 4 લોકોનાં મોત થયાં હતા, જેમાં 8 વર્ષનું બાળક પણ સામેલ છે. એસયુવી કારમાં કુલ 11 લોકો સવાર હતા.
આ પરિવાર મૂળ રાજસ્થાનનો છે પણ તે સુરતમાં રહેતો હતો અને તે લોકો જયારે ઉજ્જૈન દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ઉજ્જૈનથી પરત ફરતી વેળાએ પાવાગઢ મહાકાળી માતાનાં દર્શન કર્યા બાદ તેઓ સુરત આવી રહ્યા હતા. આ દરમિયાન વડોદરા નજીક જરોદ પાસે આવેલી હોટલ વે વેટ પાસે કારને અકસ્માત નડ્યો, જેમાં SUV કાર કન્ટેનરની પાછળ ઘૂસી ગઈ અને કારમાં બેઠેલા 4 લોકો મોતને ભેટ્યા.
કાર કન્ટેનરની પાછળ ઘૂસી ગઈ હોવાને કારણે JCBની મદદ લેવામાં આવી હતી. હાલ તો પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત કેવી રીતે સર્જાયો, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.મૃતકોમાં રઘાજી કિશોરજી કલાલ, રાકેશ કનૈયાલાલ ગુર્જર સહિત રોશન રઘાજી કલાલ અને પ્રકાશ રામાજી ગુર્જર સામેલ છે. ઉલ્લેખનીય છે કે, 4 ઓક્ટોબરના રોજ વડોદરા શહેર નજીક આવેલા દરજીપુરા
એરફોર્સ સ્ટેશન પાસે સુરતથી અમદાવાદ જઇ રહેલું કન્ટેનર ડિવાઇડર કૂદી સામેની સાઇડે એક છકડાને અથડાયું જેમાં વડોદરા, દેવગઢ બારિયા અને પાવીજેતપુર સહિતના 10 લોકોનાં મોત નિપજ્યાં હતાં. આ ઉપરાંત રાજસ્થાનથી સુરત જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ કપૂરાઈ ચોકડી પાસે ઓવરટેક દરમિયાન ટ્રક સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો જેના પહેલા સગર્ભા સહિત 6 લોકોનાં મોત થયાં હતાં અને 17 લોકો ઘાયલ થયા હતા.