ગ્રીસથી આવી, મહેંદી રચાઇ અને બની ગઇ દુલ્હનિયા…જૂના અખાડાએ કરાયા લગ્ન- ‘મહાકુંભમાં થયો અનોખો સંગમ’
મહાકુંભમાં ગ્રીસની યુવતિએ કર્યા ભારતીય યુવક સાથે લગ્ન, જૂના અખાડાના સંત એ કર્યુ કન્યાદાન
વર્ષ 2025ના પ્રજાસત્તાક દિવસે એક ભારતીય યુવક સિદ્ધાર્થે મહાકુંભ મેળામાં પરંપરાગત વિધિથી ગ્રીક ગર્લફ્રેન્ડ પેનેલોપ સાથે લગ્ન કર્યા. આ લગ્ન એક અનોખો અને ધાર્મિક અનુભવ બન્યો, જે બંને માટે જીવનભરની યાદ બની ગયો. સિદ્ધાર્થ અને પેનેલોપના લગ્ન સમારોહ ભારતના સૌથી મોટા ધાર્મિક મેળાઓમાંના મહાકુંભ મેળામાં યોજાયો હતો. લગ્ન સમારોહ સંપૂર્ણપણે પરંપરાગત વૈદિક રીતિ-રિવાજથી યોજાયો હતો.

કન્યાદાનની વિધિ સ્વામી યતીન્દ્રાનંદ ગિરી દ્વારા કરવામાં આવી હતી, જેઓ જુના અખાડાના મહામંડલેશ્વર છે. આ પ્રસંગે દુલ્હનનો પરિવાર અને સંબંધીઓ પણ હાજર હતા. ANI સાથે વાત કરતા સિદ્ધાર્થે કહ્યું, “અમે બંને એકબીજા સાથે લગ્ન કરવા બદલ ખૂબ જ આભારી છીએ. તે મારા માટે ખૂબ જ ખાસ છે. જ્યારે અમે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું, ત્યારે અમે ઇચ્છતા હતા કે લગ્ન સાદગી અને દિવ્ય હોય અને આ માટે અમે પ્રયાગરાજ મહાકુંભ પસંદ કર્યો.

આ સ્થળ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ સ્થળ છે, જ્યાં તમામ પ્રકારના દિવ્યતા અને તીર્થસ્થાનો છે. અહીં અમે મહાન આત્માઓને મળીએ છીએ, અને સ્વામીજીના આશીર્વાદ મેળવીએ છીએ, જે હૃદય અને આત્માને શાંતિ આપે છે.” સિદ્ધાર્થે લગ્નના મહત્વ પર પણ પ્રકાશ પાડતા કહ્યું, “લગ્ન એક પવિત્ર સંસ્થા છે, જે આપણને સમજવામાં મદદ કરે છે કે પુરુષ અને સ્ત્રી એકબીજાના પૂરક છે. બંને એકબીજા વિના અધૂરા છે.

પ્રાચીન પરંપરાઓનું પાલન કરવામાં કંઈ ખોટું નથી, અને તેથી અમે આજે આ વૈદિક લગ્ન કરવાનું નક્કી કર્યું. ” બૌદ્ધ ધર્મમાંથી હિન્દુ ધર્મ અપનાવનાર પેનેલોપે આ લગ્નને જાદુઈ અને અવર્ણનીય ગણાવ્યા.તેણે કહ્યું, “આજે જે કંઈ થયું તે શબ્દોની ઉપર હતું. જ્યારે હું કેટલાક ફોટા જોઉં છું, તો મને મહેસૂસ થાય છે કે અમે દિવ્ય ઊર્જાનો અનુભવ કરી રહ્યા હતા. તે એક આધ્યાત્મિક લગ્ન હતા, અને તે અદ્ભુત હતા.”

પેનેલોપે એ પણ ખુલાસો કર્યો કે તે તેના જીવનમાં શાંતિ અને હેતુ શોધી રહી હતી, અને આખરે તેણે સનાતન ધર્મ અપનાવ્યો. તેણે કહ્યું, “બધી વસ્તુ સનાતન ધર્મમાંથી આવે છે, અને આ તે માર્ગ છે જે મને સાચી દિશામાં લઈ જાય છે.” પેનેલોપે એ પણ શેર કર્યું કે તે 29 જાન્યુઆરીએ પ્રયાગરાજમાં પવિત્ર સ્નાન કરવાનું આયોજન કરી રહી છે.

ભારતની પુત્રવધૂ બનેલી ગ્રીક છોકરી પેનેલોપે 26 જાન્યુઆરીએ દિલ્હીના સિદ્ધાર્થ શિવ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન જુના અખાડાના વરિષ્ઠ મહામંડલેશ્વર સ્વામી યતીન ગિરિના શિવિરમાં થયા હતા. લગ્ન સમારોહ સંપૂર્ણપણે પરંપરાગત વૈદિક શૈલીમાં યોજાયો હતો. જુના અખાડાના મહામંડલેશ્વરે પોતે લગ્નમાં હાજરી આપી અને પેનેલોપનું કન્યાદાન કર્યુ. પેનેલોપ અને સિદ્ધાર્થ સનાતન રીતે પોતાનું નવું જીવન શરૂ કરવા માંગતા હતા.