સુરતમાંથી ગત રોજ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો, ગોડાદરામાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચારી મચી ગઇ છે. દીકરીના મોતને પગલે પરિવાર પણ આઘાતમાં છે. પરિવારનો આક્ષેપ છે કે શાળાના સંચાલકો દ્વારા ફી ન ભરી હોવાને કારણે સજાના ભાગ રૂપે વર્ગખંડમાં ન બેસવા દેતા દીકરીએ આ પગલું ભર્યું.. જો કે, મૃતક વિદ્યાર્થિનીના ક્લાસના વિદ્યાર્થીઓની પૂછપરછમાં પ્રેમ સંબંધનો એંગલ સામે આવ્યો છે.(તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યુ કે પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે અને તે તપાસ કરી રહ્યા છે. વિદ્યાર્થિનીના મિત્રો-પરિવારજનોના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે. જો રિપોર્ટ બાદ શાળા સામે કોઈ વાંધો જણાશે તો કાર્યવાહી કરાશે. વિદ્યાર્થીનીએ આ વર્ષે જ આદર્શ શાળામાં પ્રવેશ લીધો હતો અને આ પહેલા અન્ય શાળમાં ભણતી હતી અને અભ્યાસ દોઢ વર્ષે છોડી દીધો હતો.
જો કે આ શાળામાં પ્રવેશ મેળવી ફરી અભ્યાસ શરૂ કર્યો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે વિદ્યાર્થિની 11 તારીખ પછી સતત ગેરહાજર હતી. જો કે હકીકતલક્ષી અહેવાલ આવ્યા બાદ જ આ બાબતથી વધારે પુષ્ટી કરી શકાશે. મૃતક વિદ્યાર્થીનીના પિતા રાજુ ખટીક મૂળ રાજસ્થાનના છે અને તેઓ છેલ્લા ઘણા સમયથી સુરતમાં સ્થાયી થયા છે. તેઓ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.

પરિવારમાં પત્ની અને બે દીકરી તેમજ એક દીકરો છે. તેમની મોટી દીકરી ભાવના આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી હતી. જ્યારે ગત રોજ સાંજે દીકરી ઘરે આવી ત્યારે તેણે રડવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન ઘરમાં જ કરિયાણાની દુકાનનું સંચાલન કરતી ભાવનાની માતાએ તેને ઉપરના રૂમમાં કામ અર્થે મોકલી અને આ દરમિયાન ભાવનાએ દરવાજો અંદરથી બંધ કરી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો.
મૃતકના પિતાનો આક્ષેપ છે કે સત્ર ફી ન ભરી હોવાના કારણે શાળાના સંચાલકો છેલ્લા બે દિવસથી ભાવનાને વર્ગખંડની બહાર ઊભી રાખી હતી અને આ કારણે જ ભાવનાએ આપઘાતનું પગલું ભર્યું હોવાનું તેમણે જણાવ્યું. જો કે મૃતકના મિત્રોની પૂછપરછ કરવામાં આવી ત્યારે પ્રેમ સંબંધનો એંગલ સામે આવ્યો. આ કારણોસર પરિવારે તેને સ્કૂલે મોકલવાનું બંધ કરી દીધુ હોવાનું પણ સામે આવ્યુ.

જ્યારે એવું કહેવાઇ રહ્યુ છે કે છેલ્લા એક વર્ષથી ભાવનાની ફી ચૂકવવામાં આવી નહોતી. આખા વર્ષની ફી 15 હજાર રૂપિયા હતી. સ્કૂલના લોકો ફોન કરતા હતા, પરંતુ આવાં બાળકો જેમણે ત્રણ વર્ષથી શાળાની ફી ભરી નથી તેઓ પણ અભ્યાસ કરી રહ્યા છે. તેને શૌચાલયની બહાર ઊભી રાખવામાં આવી હોય તેવા કોઇ સીસીટીવી મળ્યા નથી.