રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગુરુવારે સતત નવમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. જેનો આનો અર્થ એ છે કે તમારે સસ્તી લોન અને ઓછા EMI માટે હજુ રાહ જોવી પડશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રેપો રેટ 6.5% રહેશે. ગુરુવારે સમિતિએ રેપો રેટને 6.5 ટકા પર જાળવી રાખ્યો છે. સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે દર બે મહિને યોજાનારી બેઠકના નિર્ણયોની જાહેરાત કરતા કહ્યું કે, MPCએ 4:2ની બહુમતીથી આ નિર્ણય લીધો છે.

FY2024-25 માટે RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રીજી બેઠકનો નિર્ણય આવી ગયો છે. સવારે 10 વાગ્યે બેઠકના પરિણામોની જાહેરાત કરતા RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. MPCના 6માંથી 4 સભ્યો વ્યાજ દરોમાં ફેરફારની તરફેણમાં નથી. હાલમાં રેપો રેટ 6.50% પર યથાવત રાખવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે હાલમાં સામાન્ય માણસને હોમ લોન, ઓટો લોન સહિત તમામ પ્રકારની લોન પર EMI અંગે કોઈ રાહત નહીં મળે.

ગવર્નરે કહ્યું કે આરબીઆઈ મોંઘવારી અંગે સતર્ક છે. સમગ્ર વિશ્વમાંથી મોંઘવારી ઘટવાના સંકેતો મળી રહ્યા છે. ફુગાવો ઘટશે તેવી અપેક્ષા છે. ઘરેલું વિકાસમાં સ્થિર ગતિ છે. સર્વિસ સેક્ટરની કામગીરી ઘણી સારી છે. મોંઘવારી દરને 4 ટકા સુધી લાવવા માટે આરબીઆઈના પ્રયાસો ચાલુ છે. ખાદ્ય ફુગાવાનો દર હજુ પણ ચિંતાજનક છે. ખાદ્યપદાર્થોના ઊંચા ફુગાવાના કારણે ઘરગથ્થુ મોંઘવારી વધી રહી છે.

રેપો રેટ એ દર છે કે જેના પર આરબીઆઈ બેંકોને ધિરાણ આપે છે, જ્યારે રિવર્સ રેપો રેટ એ દર છે કે જેના પર આરબીઆઈ નાણાં રાખવા માટે બેંકોને વ્યાજ આપે છે. રેપો રેટમાં ઘટાડો થવાને કારણે લોનની EMI ઘટે છે, જ્યારે રેપો રેટમાં વધારો થવાથી તમામ પ્રકારની લોન મોંઘી થાય છે અને આ ક્રમમાં EMIમાં પણ વધારો થાય છે.