જંબુસર ખાતે PM મોદીની સભા મંડપમાં સાપ નીકળતા મચી ગઇ અફરાતફરી, પોલિસ જવાને બહાદુરી બતાવી સાપને પકડી કર્યો રેસ્ક્યૂ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યાં બધી પાર્ટીઓ પૂરી તાકાત લગાવી રહી છે. બધી પાર્ટીઓ પૂરજોશથી પ્રચાર કરી રહી છે. પ્રધાનમંત્રી મોદીએ પણ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે. ત્યારે ગઈકાલના રોજ પ્રધાનમંત્રીએ સોમનાથ, રાજકોટના ધોરાજીમાં, અમરેલીમાં અને બોટાદમાં જનમેદનીને સંબોધન કર્યું હતું અને આજે PM મોદીએ સુરેન્દ્રનગરના દૂધરેજમાં પણ સભા સંબોધી હતી.

આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. ત્યારે હવે ભરૂચના જંબુસર ખાતે પણ તેમની ચૂંટણી સભા યોજાઈ રહી છે. જો કે, તેમના આગમન પેહલા જ સભા મંડપમાં સાપ નીકળ્યો હોવાને કારણે અફરાતફરી મચી હતી. સભા મંડપમાં આગળની હરોળમાં જ સાપ દેખાતા લોકોએ બૂમાબૂમ અને નાસભાગ કરી મુકી હતી.

સાપની નજીકમાં ખુરશી પર એક બાળક બેઠેલો હતો અને તેને એક પોલીસકર્મીએ ઉઠાવી લીધો હતો. જે બાદ તેને સહિસલામત જગ્યાએ ખસેડ્યો હતો. સાપ નીકળવાની જાણ થતા જ પોલીસકર્મીઓ દોડી આવ્યાં હતા અને લોકોએ તેમજ પોલીસકર્મીઓએ સાપને પકડવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

સાપને જોતા જ થોડીવાર માટે તો લોકોની બૂમાબૂમથી માહોલ પણ ગરમાયો હતો. લોકો ખુરશીઓ ઉપાડીને સાપથી બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એક પોલીસ જવાને બહાદુરી બતાવી સાપને પકડી રેસ્ક્યૂ કર્યો હતો.જે બાદ તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જનતાએ પણ પોલીસ જવાનને ઉમળકાભેર વધાવ્યા હતા.

Shah Jina