હું પોતે ગામડે ગામડે ગયો હતો અને વિનંતી કરી હતી કે તેમની દીકરીઓને શાળાએ મોકલે…

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશનું જ નહિ વિદેશનું પણ એક મોટું નામ બની ગયા છે. દુનિયાભરમાં તેમની પ્રસંશા કરવામાં આવે છે, ત્યારે હાલ પીએમ મોદી પોતાના વતનની મુલાકાતે છે. આ દરમિયાન ઠેર ઠેર તેમની સભાઓ થઇ રહી છે અને લાખોની જનમેદની પીએમ મોદીને સાંભળવા માટે આવી રહી છે. આ દરમિયાન પીએમ મોદીએ દેશ અને પોતાના અંગત જીવન વિશે ઘણી બાબતો જણાવી હતી.

ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ આજે ગાંધીનગરમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું, આ પ્રસંગે તેઓ બાળકો સાથે ક્લાસરૂમમાં બેઠેલા જોવા મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, “હું ગુજરાતના તમામ લોકોને, તમામ શિક્ષકોને અને તમામ યુવા સાથીઓને અભિનંદન આપું છું, હું મારી શુભકામનાઓ પાઠવું છું. હવે એજ્યુકેશન સિસ્ટમ સ્માર્ટ બની છે અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધરી છે.”

ત્યારે આ દરમિયાન પીએમ મોદીનું એક નિવેદન પણ ઘણું જ ચર્ચામા રહ્યું છે, તેમને જણાવ્યું કે 4જી સાઇકલ છે તો 5જી એરોપ્લેન છે. આ રીતે તેમને 5જી અને 4જી વચ્ચેનો તફાવત પણ સમજાવ્યો હતો. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ એમ પણ જણાવ્યું કે છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે, આજથી 20 વર્ષ પહેલા 100માંથી ફક્ત 20 બાળકો જ શાળાએ જતા નહોતા. મતલબ કે 5માં ભાગના બાળકો શિક્ષણથી વંચિત હતા.

તેમને એમ પણ જણાવ્યું કે શાળાએ ગયેલા બાળકોમાંથી ઘણા એવા બાળકો હતા જે આઠમા ધોરણ સુધી પહોંચતાની સાથે જ શાળા છોડી દેતા હતા. દીકરીઓની હાલત પણ ખરાબ હતી એ પણ એક કમનસીબી હતી. પહેલા છોકરીઓને શાળાએ મોકલવામાં આવતી નહોતી.તેમને એમ પણ જણાવ્યું કે મુખ્યમંત્રી તરીકે હું પોતે ગામડે ગામડે ગયો હતો અને તમામ લોકોને વિનંતી કરી હતી કે તેમની દીકરીઓને શાળાએ મોકલે.

પીએમ મોદીએ આગળ જણાવ્યું કે આ કારણે પરિણામ એ આવ્યું કે આજે ગુજરાતમાં લગભગ દરેક દીકરો અને દીકરી શાળાએ જવા લાગ્યા છે. શાળા બાદ તેમને કોલેજ પણ જવાનું શરૂ કર્યું અને ગુજરાતમાં સૌપ્રથમ વખત અમે શિક્ષક તાલીમ યુનિવર્સીટી, શિક્ષક શિક્ષણ સાંઠાની સ્થાપના કરી હતી. પીએમ મોદીએ કહ્યું, હમણાં જે બાળકો મને મળ્યા એ 2003માં પહેલા શાળા પ્રવેશોત્સવ વખતે આદિવાસી વિસ્તારમાં ગયો હતો એ સમયના બાળકો હતા. જે બાળકોને આંગળી પકડીને સ્કૂલે લઈ ગયો હતો એમના મને દર્શન કરવાનો મોકો મળ્યો.

Niraj Patel