પંચમહાલનો શર્મશાર કિસ્સો ! 16 વર્ષીય વિદ્યાર્થીનું શોષણ કરી ભગાડી જનાર ગુરુ આખરે લાગી જ ગયો પોલિસના હાથે

પંચમહાલમાં 44 વર્ષનો ઢાંઢો શિક્ષક 16 વર્ષની સગીરાને ભગાડી ગયો, એક ભૂલના કારણે ઝડપાયો

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ અને યુવતિઓ પર અત્યાચાર અને શોષણના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર આવા કિસ્સાઓમાં કોઇના કોઇ સંબંધ પણ લજવાતા હોય છે. ત્યારે પંચમહાલમાંથી ગુરુ-શિષ્યના સંબંધોને શર્મશાર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 12માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાને સ્કૂલનો 44 વર્ષિય લંપટ શિક્ષક ભગાડી લઇ ગયો.

તસવીર સૌજન્ય : વીટીવી ગુજરાતી

શહેરા પંથકની એક હાઇસ્કૂલમાં ફરજ બજાવતો પરણિત અને 44 વર્ષનો શિક્ષક તેની દીકરી સમાન 16 વર્ષીય સગીરાને શોષણ અને લગ્નના ઈરાદે ભગાડી ગયો હોવાની ફરિયાદ સગીરાના માતા દ્વારા શહેરા પોલીસ મથકે નોંધાવવામાં આવી છે,આ મામલાને લઇને ચકચાર મચી જવા પામી હતી. પોલીસે અપહરણ,પોકસો અને એક્ટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધી હતી અને ટીમની રચના કરી કથિત આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.

પ્રતિકાત્મક તસવીર

પોલિસ દ્વારા શિક્ષકને શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને બાતમીદારોની બાતમીના આધારે તપાસ હાથ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી કે કડાણાના મલેકપુર ગામના રહેવાસી અને શહેરાની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નિમેષ પટેલ અને એક બાળકી છત્તીસગઢના રાયપુર ખાતે રહે છે. જે આધારે શહેરા પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીવાળી જગ્યાએ છાપો માર્યો હતો. જે બાદ લંપટ શિક્ષક તથા વિદ્યાર્થીનીને છત્તીસગઢના રાયપુરથી ઝડપી પાડ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર

શું હતો મામલો
ફરિયાદમાં કરાયેલ ઉલ્લેખ મુજબ ત્રણ મહિના પહેલા પોતાની સગીરવયની દીકરીના મોબાઈલમાં કેટલાક મેસેજ જોઈ તેની માતા અચરજ પામી ગઈ હતી. આ મેસેજ હાઈસ્કૂલના શિક્ષક નિમેષ પટેલના હતા, જે મૂળ મહીસાગરના કડાણાના મલેકપુર ગામનો વતની છે અને હાલ ગોધરાનો હોવાનું જણાય આવ્યુ હતુ. આ બાબતને લઇને માતાએ પોતાની દીકરી અને શિક્ષક નિમેશને ટકોર પણ કરી હતી. ત્યારે થોડા દિવસ તો બધું બરાબર ચાલ્યુ પણ અન્ય વિદ્યાર્થીઓ થકી જાણવા મળ્યું કે શિક્ષકના હજી પણ સગીરા સાથે સંબંધો ચાલુ જ છે. ત્યારે 11 સપ્ટેમ્બરના રોજ સગીરાની માતા

પ્રતિકાત્મક તસવીર

અને ઘરના અન્ય સભ્યો રાત્રિનો નિત્યક્રમ પતાવી સુઈ ગયા હતા ત્યારે મળસ્કે સગીરાની માતાએ પથારીમાં જોતા સગીરા જોવા મળી નહિ, જે બાદ તેમણે સગીરાના પિતાને જગાડી જાણ કરી અને પછી તેઓએ ગામમાં આજુબાજુ તપાસ કરાવી હતી, પણ તેઓની પુત્રી મળી આવી નહિ. તે બાદ માતાને શિક્ષક પર શંકા જતા તેના ગોધરા સ્થિત મકાને તપાસ કરતા તેની પત્નીએ જણાવ્યુ કે, તે રાત્રે કોઈ કામ અર્થે બહાર ગયા છે. જે બાદ હાઈસ્કૂલમાં તપાસ કરતા ફરજ પર ન આવ્યા હોવાનું જાણવા મળતા શંકા હકીકત હોવાની શક્યતા પ્રબળ બની હતી.

પ્રતિકાત્મક તસવીર

તેનો મોબાઈલ ફોન પણ બંધ આવી રહ્યો હતો. આખરે મહિલાએ શહેરા પોલીસ સ્ટેશનમાં લંપટ શિક્ષક નિમેષ વિરુદ્ધ આ કેસની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપી શિક્ષકને વિદ્યાર્થિની સાથે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ત્યારે શિક્ષક નિમેષ પટેલ અને વિદ્યાર્થીનીને છત્તીસગઢના રાયપુરથી ઝડપી પાડ્યા હતા. જે બાદ બંનેને શહેરા પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ હાથ ધરી હતી અને બાદમાં પોલીસે શિક્ષકની ધરપકડ કરી હતી.

Shah Jina