આગામી 3 કલાક સુધી અમદાવાદમાં ત્રાટકશે મેઘરાજાની સવારી, વીજળી અને કડાકા સાથે શરૂ થયો ધોધમાર વરસાદ

છેલ્લા ઘણા દિવસથી વરસાદે જયારે વિરામ લઇ લીધો હોય તેમ લાગી રહ્યું હતું, આજે સવાર સુધી વાતાવરણ એક દમ ચોખ્ખુ દેખાઈ રહ્યું અને છેલ્લા થોડા દિવસથી ગરમીમાં પણ વધારો થયેલો જોવા મળ્યો હતો, ત્યારે આ બધા વચ્ચે હવે આજે અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઇ ગઈ છે અને આગામી ત્રણ કલાક દરમિયાન અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા ગત મંગળવારના રોજ આગામી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ ૫ડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.  જેના નાદ હવે હવામાન વિભાગે આજે નવી આગાહી જાહેર કરી કરી છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ત્રણ કલાકમાં અમદાવાદ ગાંધીનગરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

તો હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ શહેરમાં વરસાદની વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર શરૂઆત થઇ ગઈ છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર નિકોલ, નરોડા,સીટીએમ, રામોલ, વસ્ત્રાલ,અમરાઈવાડી, કાંકરિયા, ખોખરા સહિતના કેટલાક  વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ શરૂ થઇ ગયો છે.

આજે સવારે જ 11 વાગ્યાથી અમદાવાદ અને ગાંધીનગરમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. ત્યારે થોડી જ વારમાં અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પણ તૂટી પડ્યો છે. ત્યારે હવે હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 100.98 ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં 42.35 ટકા વરસાદ નોંધાયો હતો અને હજુ પણ આગામી સમયમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Niraj Patel