‘મારા એકના એક દીકરાને મારી નાખ્યો’ : દીકરાની મોત પર IASની પત્નીનું કરુણ આક્રંદ

રેડ દરમિયાન IASના દીકરાની મોત : માતા બોલી- દોષીઓની વર્દી ઉતરવા સુધી દીકરાના લોહીથી રંગાયેલા હાથ નહીં ધોઉં

પંજાબના સિનિયર IAS ઓફિસર સંજય પોપલી આ દિવસોમાં ચર્ચામાં છે. સંજય પોપલીની તાજેતરમાં પંજાબ પોલીસે ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરી હતી. વિજિલન્સ ટીમે સંજય પોપલીના ઘરે રેડ પાડતાં 1 કિલોની 9 સોનાની ઇંટો, 49 સોનાના બિસ્કિટ, 12 સોનાના સિક્કા અને 3 કિલો ચાંદી મળી આવી હતી. આ ઉપરાંત ઘરમાંથી 5 મોંઘા મોબાઈલ ફોન અને બે સ્માર્ટ ઘડિયાળો પણ મળી આવી હતી. પરંતુ જ્યારે વિજિલન્સ ટીમે રેડ પાડી ત્યારે પોપલીના 27 વર્ષના પુત્રનું મોત થયું હતું.

ચંદીગઢ પોલીસનું કહેવું છે કે પોપલીના પુત્રએ પોતાની જાતને ગોળી મારી દીધી હતી. જ્યારે પોપલીના પરિવારનો આરોપ છે કે તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે. સંજય પોપલી પંજાબના વરિષ્ઠ IAS અધિકારી છે. તેઓ 2008 બેચના પંજાબ કેડરના અધિકારી છે. સંજય પોપલી પર ટેન્ડરના બદલામાં કમિશન લેવાનો આરોપ છે. એવો આરોપ છે કે સંજય પોપલીએ સીવરેજ બોર્ડના સીઈઓ રહીને 7.3 કરોડના ગટર પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટર પાસેથી 1% કમિશન માંગ્યું હતું. કોન્ટ્રાક્ટરે પોપલીને 3.50 લાખ આપ્યા હતા.

પોપલી બીજા હપ્તાની માંગ કરી રહ્યો હતો. આ પછી હરિયાણાના કરનાલ વિસ્તારના કોન્ટ્રાક્ટરે સીએમ માનની હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવી હતી અને તે બાદ સંજય પોપલીની ધરપકડ થઈ હતી. ચંદીગઢના વરિષ્ઠ પોલીસ અધિક્ષકે કહ્યું હતુ કે પુષ્ટિ બાદ જાણવા મળ્યું છે કે પોપલીના પુત્રએ પોતાને ગોળી મારી હતી. જો કે હજુ તપાસ ચાલુ છે. બીજી તરફ એસએસપીએ કહ્યું કે આ દરમિયાન લાયસન્સવાળી બંદૂકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બીજી તરફ સંજય પોપલીની પત્નીનું કહેવુ છે કે, “વિજિલન્સ અધિકારીઓ અમારા પર દબાણ કરતા હતા અને અમારી નોકરાણીને તેમના સમર્થનમાં ખોટા નિવેદનો આપવા માટે હેરાન કરતા હતા. મારો 27 વર્ષના પુત્રનું મોત થઇ ગયુ. તેઓ એક તેજસ્વી વકીલ હતા. સંજય પોપલીની પત્નીએ જણાવ્યું કે, તેઓએ ખોટો કેસ કરીને મારા પુત્ર કાર્તિકને છીનવી લીધો હતો. લોહીથી રંગાયેલા હાથ બતાવીને IASની પત્નીએ કહ્યું કે જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું આ હાથ સાફ નહીં કરું.

મને ન્યાય જોઈએ છે. મારા પુત્રની હત્યા કરવામાં આવી હતી. પંજાબના સીએમ ભગવંત માનને જવાબ આપવો જોઈએ. તેણે દાવો કર્યો કે, વિજિલન્સ અધિકારીઓ કાર્તિકને ઉપરના માળે લઈ ગયા. તેને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. અમારા મોબાઈલ ફોન પણ છીનવી લેવામાં આવ્યા હતા. વિજિલન્સ બ્યુરોના ડીએસપીએ પત્રકારોને જણાવ્યું હતું કે સામાન રિકવર કર્યા બાદ તેઓ તેમના ઘરેથી પરત ફર્યા હતા અને આરોપી તેમની સાથે હતો.

ટીમના તમામ સભ્યોએ પોલીસ સ્ટેશનમાં તેમના નિવેદનો નોંધાવ્યા. તેમણે કહ્યું કે, પરિવારના આરોપો ખોટા છે. કોઈ અધિકારી ઘરમાં ઘૂસ્યા નથી. જ્યાંથી સામાન મળી આવ્યો તે ભાગ ઘરની બહાર હતો. એકના એક દીકરાના મોત બાદ માતાએ કહ્યું કે તેના પુત્રના મોત માટે પોલીસ જવાબદાર છે. જ્યાં સુધી આ પોલીસકર્મીઓની વર્દી નહિ ઉતરે ત્યાં સુધી તે તેના પુત્રના લોહીથી રંગાયેલા હાથ ધોશે નહીં.

Shah Jina