ગુજરાત ટાઇટન્સનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાટણના પટોળા આપીને કર્યું ભવ્ય સ્વાગત, હાર્દિકે ગુજરાતીમાં સંબોધન કરીને વટ્ટ પાડી દીધો

રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી ફાઇનલ મેચમાં રાજસ્થાન રોયલ્સને હરાવીને IPL 2022નો ખિતાબ ગુજરાત ટાઇટન્સે પોતાના નામે કરી લીધો, જેના બાદ આખી ગગુજરાત ટાઇટન્સની ટીમ જીતની ઉજવણીમાં ડૂબી ગઈ છે, ગઈકાલે અમદાવાદમાં ભવ્ય રોડ શો પણ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ચાહકો આ રોડ શો જોવા માટે એકત્ર પણ થયા હતા.

રોડ શોના આયોજન પહેલા ગુજરાત ટાઇટન્સની આખી ટીમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને પહોંચી હતી, જ્યાં સીએમ દ્વારા તમામ ખેલાડી અને સ્ટાફનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું, આ દરમિયાન ત્યાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા અને ગુજરાત ટાઇટન્સના કપ્તાન હાર્દિક પંડ્યાએ ગુજરાતીમાં જ સંબોધન કર્યું હતું.

આ કાર્યક્રમનું સંચાલન ધ્વનિત ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું, સાથે જ ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સાથે સાથે હાર્દિક પંડયાએ પણ ગુજરાતીમાં વાતો કરી હતી, જેનો વીડિયો પણ સીએમ દ્વારા તેમના ટ્વીટર હેન્ડલ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો છે. CM ભુપેન્દ્ર પટેલે ગુજરાત ટાઈટન્સના ખેલાડી સાથે વાતચીત કરતા કહ્યું કે મેં અત્યારસુધી બેટિંગ જ કરી છે. ક્યારેય પણ ફિલ્ડિંગ ભરવાની જરૂર પડી નથી.

સીએમ ભુપેન્દ્ર પટેલે તમામ ખેલાડીઓનું પાટણનું પટોળું ઓઢાડીને અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમમાં શુભમન ગિલે કહ્યું કે મને ગુજરાતીઓ ઘણા પસંદ છે. મને થેપલા અને ખીચડી બઉ ભાવે છે. તો રાશિદ ખાને કહ્યું, “ગુજરાતનો ક્રાઉડ સપોર્ટ મને ઘણો ગમ્યો, ફાઈનલ મેચમાં જે પ્રમાણે અમને અમદાવાદમાં લોકો ચિયર કરતા હતા એ જોઈને હું ઘણો ઉત્સાહિત થઈ ગયો હતો.”

ગુજરાત ટાઇટન્સની ટીમ સાથેની મુલાકાત દરમિયાન ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓની સાઈન વાળું બેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભેટમાં આપવામાં આવ્યું હતું. ગુજરાત ટાઇટન્સ દ્વારા આપવામાં આવેલા આ બેટની હરાજી કરવામાં આવશે અને તેમાંથી જે પણ રકમ મળશે તે રકમને ગુજરાતમાં કન્યા કેળવણી માટે વાપરવામાં આવશે.

હાર્દિક પંડ્યાએ ગુજરાતીમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, “હું ગુજરાતી કલ્ચરમાં એક જ વસ્તુથી દુર રહ્યો છું અને તે છે, ગરબા. જે સમયે નવરાત્રી હોય તે સમયે મેચ હોવાથી હું ગરબા રમી શક્યો નથી. ગુજરાતના ફેન્સ તરફથી અમને ઘણો પ્રેમ મળ્યો. હાર્દિક પંડ્યાએ પોતાના ગુજરાતી ફૂડના શોખ વિશે કહ્યું હતું કે, “મને ખીચડી બહું ભાવે છે અને અત્યારે પણ હું દાળ-ભાત ખાઈને જ અહીં આવ્યો છું.”

સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વીટરમાં સીએમ ભુપેન્દ્ર પટેલના એકાઉન્ટ ઉપરથી આ કાર્યક્રમનો એક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં આ આખા જ કાર્યક્રમની ઝાંખો જોવા મળી રહી છે. જેમાં તમામ ખેલાડીઓ હલવાસન મૂડમાં જોવા મળી રહ્યા છે, આ કાર્યક્રમ બાદ અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાયો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel