BIG NEWS: હવે કાશ્મીરી પંડિતોને મળશે ન્યાય, હત્યારા સામે ફરી કેસ ચલાવવા કોર્ટમાં અરજી

જ્યારથી ફિલ્મ કાશ્મીર ફાઈલ્સ આવી છે ત્યારથી કાશ્મિરી પંડિતો પર થયેલા અત્યાચારોને લઈને ચર્ચા થઈ રહી છે. હવે આ કડીમાં એક નવા સમાચાર સામે આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોના થયેલા નરસંહારના આરોપી બિટ્ટા કરાટે સામે 31 વર્ષ બાદ ફરી સુનાવણી થશે. આ અંગે શ્રીનગરની કોર્ટમાં એક અરજી ફાઈલ કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે બિટ્ટા કરાટે સામે દાખલ કરવામાં આવેલા કેસને ફરીથી ખોલવામાં આવે. શ્રીનગર કોર્ટ આ અંગે આજે સુનાવણી કરશે.

પીડિત સતીશ ટિક્કુ પરિવારે એક્ટિવિસ્ટ વિકાસ રાણાની મદદથી શ્રીનગર કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. વકીલ ઉત્સવ બેન્સ ટિક્કુના પરિવાર તરફતથી પક્ષ રાખશે. આ મામલે આજે શ્રીનગર કોર્ટમાં સુનાવણી થશે. તમને જણાવી દઈએ કે બિટ્ટા કરાટે અલગતાવાદી નેતા છે. તેને કાશ્મીરમાં નિર્દોષ લોકોની હત્યા અને આતંકવાદ સાથે સંબંધોના આરોપ હેઠળ જેલમાં નાખવામાં આવ્યો હતો.

એક ઈન્ટરવ્યૂમાં બિટ્ટાએ કબુલ્યું હતું કે, તેણે 20 કાશ્મીરી પંડિતોની હત્યા કરી છે. વર્ષ 1991માં આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, જો તે સમયે તેને તેની માં કે ભાઈને મારવાનો આદેશ મળ્યો હોત તો તેની પણ હત્યા કરી નાખત. તેમણે એમ પણ કહ્યું કે, તેણે 22 વર્ષના કાશ્મીરી પંડિત સતીશ કુમાર ટિક્કુની હત્યા કરીને કાશ્મીરમાં કત્લેઆમની શરૂઆત કરી હતી.

બિટ્ટાને સાર્વજનિક સુરક્ષા અધિનિયમ હેઠળ પકડવામાં આવ્યો હતો. તેમની સાથે ઉગ્રવાદ સાથે સંબંધિત 19 કેસો દાખલ છે. 2008માં અમરનાથ વિવાદ સમયે પણ તેની ધરપકડ કરવામાં આવી હતી. બિટ્ટા માર્શલ આર્ટ શીખેલો હતો. તેથી તે તેના નામની પાછળ કરાટે લગાવતો હતો. બિટ્ટા અંદાજે 16 વર્ષ સુધી જેલમાં રહ્યો હતો. છેલ્લે 23 ઓક્ટોબર 2006ના રોજ ટાડા કોર્ટે તેને જામીન પર મુક્ત કર્યો હતો.

આ પહેલા જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે યાસીન મલિક અને બિટ્ટા કરાટે સામે દાખલ કેસ ખોલવાના સંકેત આપ્યા હતા.તેમણે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીની સામે દાખલ કેસના મામલે તપાસ કરવામાં આવશે. કોઈ પણ આતંકવાદીઓને છોડવામાં નહીં આવે. તો બીજી તરફ પુરા દેશમાં પણ આક્રોશ છે કે કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર મામલે આરોપીઓને કડકમાં કડક સજા મળે.

YC