વર્ષના છેલ્લા દિવસે નવસારી પાસે ખતરનાક અકસ્માત: 9 લોકોના મોત, ફોર્ચ્યુનર ડિવાઇડર કૂદી સામે આવી બસ સાથે અથડાઇ

ગુજરાતમાંથી અવાર નવાર ચોંકાવનારા અને ભયાનક અકસ્માતની ખબરો સામે આવતી રહે છે. ત્યારે હાલમાં 2022ના વર્ષના અંતિમ દિવસે નવસારીમાંથી અકસ્માતની ખબર સામે આવી છે, જેમાં 9 લોકોના મોત થયા છે. વલસાડથી ભરૂચ જતી ફોર્ચ્યુનર કારના ચાલકને ઝોકુ આવી જતા કાર ડીવાઈડર કુદી અને અમદાવાદના પ્રમુખસ્વામી નગરમાંથી પરત ફરી રહેલી બસ સાથે અથડાઈ હતી.

જોરદાર ટક્કરને કારણે બસના ચાલકને હાર્ટ એટેક આવી ગયો અને અકસ્માતમાં ફોર્ચ્યુંનરમાં સવાર 9 પૈકી 8 લોકોના તેમજ બસમાં સવાર એક મુસાફરનું મોત થયુ. આ સિવાય 30 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. વહીવટી તંત્રના અંદાજ મુજબ વહેલી સવારે ઝડપે દોડતી ફોર્ચ્યુનર કારના ચાલકને ઝોકું આવી ગયું હોઈ શકે છે, જેને કારણે અકસ્માત સર્જાયો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસ અને કાર વચ્ચેની ટક્કરને પગલે બસના ડ્રાઇવરને હાર્ટ-એટેક આવી ગયો હતો.

બસમાં સવાર વલસાડના કોલક ગામના વતની છે, અને તેઓ અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી નગર કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ અધીક્ષક, જિલ્લા અધિક કલેકટર સહિતનો કાફલો દોડી ગયો હતો અને કાર્યવાહી શરૂ કરી હતી. અકસ્માતમાં જે યુવાનો મોતને ભેટ્યા છે તે મૂળ સૌરાષ્ટ્રના રહેવાસી છે અને દવાની કંપનીમાં કામ કરે છે.

તેઓ કંપનીના સ્ટાફની સગાઈમાં શુક્રવારના રોજ વલસાડ ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો.અકસ્માતને પગલે બસમાં સવાર 30 લોકોને નાની-મોટી ઈજા પહોંચી છે અને તેઓને નવસારી સિવિલમાં ખસેડાયા છે,

જેમાં 11 ગંભીર રીતે જે લોકો ઘાયલ થયા છે તેમને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે અને સામાન્ય ઈજા પહોંચી હોય તે લોકોને વલસાડ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Shah Jina