ખબર

સુરત બન્યું દીક્ષા નગરી, એક સાથે જ 75 મુમુક્ષોએ અપનાવ્યો સંયમનો માર્ગ, કરોડોની સંપત્તિ અને મોહમાયા ત્યાગી બન્યા સન્યાસી, જુઓ તસવીરો

ઘણા લોકો હોય છે જેમને સંસારમાંથી મોહ ઉડી જતા તે દીક્ષાના માર્ગ તરફ આગળ વધે છે, ખાસ કરીને જૈન પરિવારોમાં ઘણા લોકો દીક્ષાના માર્ગે આગળ વધે છે, ઘણા લોકો કરોડોની સંપત્તિનો ત્યાગ કરી અને આખા પરિવાર સાથે દીક્ષા ગ્રહણ કરવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે.

ત્યારે હાલમાં ગત 29 નવેમ્બરના રોજ સુરત ખાતે શ્રી શાંતિકનક શ્રમણોપાસક ટ્રસ્ટ અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત 75 સામુહિક દીક્ષા ઉત્સવમાં આજે 75 મુમુક્ષુઓની દિક્ષાના દાન ગુરૂ ભગવંતોએ આપ્યા હતા. જેમાં 8 પરિવારોના તમામ સભ્યોએ દિક્ષા ગ્રહણ કરી હતી. ગઈકાલે ચોથા દિવસે સવારે વર્ષીદાનનો ભવ્ય વરઘોડો રાજમાર્ગ પર નીકળ્યો હતો

આ યાત્રા 8 કિલોમીટર અંતર કાપીને અધ્યાત્મ નગરી પહોંચી હતી. દોઢ કિલોમીટર લાંબી યાત્રા આખા સુરત માટે નજરાણું બની હતી. આ વરઘોડાના દર્શન કરવા માટે 1 લાખથી પણ વધારે લોકો ઉમટી આવ્યા હતા.

કારતક વદ 10ના આ દિવસે 2590 વર્ષ અગાઉ ભગવાન મહાવીરે દીક્ષા ગ્રહણ કરી હતી. આજના આ પવિત્ર દિવસે જ સુરતમાં દીક્ષાધર્મનો નવો ઇતિહાસ લખાયો છે. જે દિવસે પ્રભુએ જે દિવસે લોચ કર્યો એ જ દિવસે સુરતમાં લોચ ક્રિયાનો અદ્ભૂત માહોલ સર્જાયો. 4.41 વાગ્યે ગુરુ ભગવંતો તથા મુમુક્ષુઓનો દીક્ષા મંડપમાં પ્રવેશ કર્યો ત્યારે આખો મંડપ ગુરુદેવ અને મુમુક્ષુઓના જયકારથી ગૂંજી ઉઠયો હતો.

વેસુ બલ્લર હાઉસ ખાતે અધ્યાત્મ નગરી બનાવવામાં આવી હતી. છેલ્લા બે મહિનાથી તૈયારીઓ ચાલી રહી છે જે માટે 55 જેટલી વિવિધ કમિટી બનાવાઈ હતી અને 500 જેટલા અધ્યાત્મ પરિવારના કાર્યકર્તાઓ કામે લાગ્યા હતા. દેશ વિદેશથી ઉત્સવના સાક્ષી બનવા આવી રહેલા શ્રાવકો માટે ઉતારાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

દિક્ષાર્થીઓને ગુરુ ભગવંતોએ ઓઘો અર્પણ કર્યા ત્યારે દિક્ષાર્થીઓ જાણે સમગ્ર સૃષ્ટિનું સુખ હાથમાં આવી ગયું હોય એ રીતે નાચવા લાગ્યા હતાં. અંતિમ દીક્ષાર્થીને ઓઘો અર્પણ થયો ત્યારે તો મંડપમાં ઉપસ્થિત સૌ કોઇ નાચવા લાગ્યા હતા. દિક્ષાર્થીઓ જ્યારે વેશ પરિવર્તન કરીને પધાર્યા ત્યારે દીક્ષા ઉત્સવને માણી રહેલા હજારો ધર્મપ્રેમીઓની આંખો દિક્ષાર્થીઓ પર સ્થિર થઈ ગઈ હતી.