કચ્છમાં 70 વર્ષના માજીએ આપ્યો બાળકને જન્મ, લગ્નના 45 વર્ષ બાદ ઘરમાં ગુંજી કિલકારીઓ, અચરજ લાગે તેવી વાત

દરેક સ્ત્રીનું સપનું માતા બનવાનું હોય છે, કારણ કે એક સ્ત્રી માટે માતા બનવાની ખુશી જ દુનિયાની સૌથી મોટી ખુશી માનવામાં આવે છે. પરંતુ ઘણી સ્ત્રીઓ એવી પણ હોય છે, જે આ ખુશીથી વંચિત પણ રહેતા હોય છે. અને વર્ષો વીતવા છતાં પણ તેમનો ખોળો બાળક વિના ખાલી જ રહેતો જોવા મળે છે.

જો કે આજના આધુનિક સમયમાં હવે ઘણું બધું શક્ય બની ગયું છે, આ દરમિયાન જ એક કિસ્સો કચ્છમાંથી સામે આવ્યો છે, જ્યાં એક 70 વર્ષના માજીએ એક બાળકને જન્મ આપ્યો છે, લગ્નના 45 વર્ષ બાદ તેમના ઘરમાં બાળકની કિલકારી ગુંજતા જ પરિવારમાં પણ ખુશીનો માહોલ ફરી વળ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના રાપર તાલુકામાં અવાયેલા મોરા ગામમાં રહેતા 70 વર્ષીય જીવુબેન રબારીએ ટેસ્ટટ્યુબ દ્વારા એક બાળકને જન્મ આપ્યો છે. જીવુબેન અને તેમના 75 વર્ષીય પતિ વાલજીભાઇ રબારી છેલ્લા 4 દાયકાથી સંતાન સુખ માટે ઝંખી રહ્યા હતા. પરંતુ આખરે તેમની ઈચ્છા પૂર્ણ થઇ અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ પ્રસરી ગયું.

જીવુબેન અને તેમના પતિ વાલજીભાઇએ અક્ષરજ્ઞાન તો મેળવ્યું નથી, છતાં પણ તેમને ટેક્નોલોજીનો સહારો લીધો. તેમને ભુજની ખાનગી હોસ્પિટલમાં ડૉ. નરેશ ભાનુશાળીનું માર્ગદર્શન લીધું અને તેમના દ્વારા જીવુબેને આઇવીએફ ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. અને તેમની માતા બનવાની મનોકામના પૂર્ણ થઇ હતી, તેમને દીકરાને જન્મ આપ્યો. જન્મ બાદ તેમને દીકરાનું નામ “લાલો” રાખ્યું છે.

Niraj Patel