આપણા રાજ્યમાં 14ના મોતથી હાહાકાર! 5 અકસ્માતથી ગુજરાત કમકમી ઉઠ્યું, જુઓ ક્યાં કેવી રીતે થયા એક્સિડન્ટ
ગુજરાતમાં ગઇકાલનો દિવસ ગોઝારો સાબિત થયો, કારણ કે 5 અકસ્માતમાં 14 લોકોના મોતથી હાહાકાર મચી ગયો. ગઇકાલે ખબર આવી કે વડોદરા-અમદાવાદ નેશનલ હાઈવે પર નડિયાદ નજીક કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ટેક્નિકલ ખામીને કારણે મહારાષ્ટ્ર પાર્સિંગનું ટ્રેલર હાઈવેની ડાબી સાઈડમાં પાર્ક હતું.
ત્યારે પુરપાટ ઝડપે વડોદરાથી અમદાવાદ જતી અર્ટિગા કાર ટ્રેલરની પાછળની સાઇડ અથડાતા અકસ્માત થયો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે 10 લોકોના મોત થયા હતા અને કારમાંથી મૃતદેહો બહાર કાઢવા ક્રેનની મદદ લેવાઈ હતી. અકસ્માતમાં 8 લોકોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ જ્યારે બે ઈજાગ્રસ્તોનું સારવાર દરમિયાન મોત થયુ. પોલીસ અનુસાર, અકસ્માતવાળી અર્ટિગા કાર એ અમદાવાદ પાસિંગની છે.
પોલીસે હાલ તો મૃતકોના પરિવારનો સંપર્ક અને કાયદાકીય કાર્યવાહી માટે અલગ-અલગ ટીમ બનાવી છે. આ ઉપરાંત કાંકરેજના બુકોલી બસ સ્ટેન્ડ નજીક એક અકસ્માત સર્જાયો. એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમને હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઉપરાંત અમદાવાદમાંથી એક CCTV સામે આવ્યા.
ત્રણ દિવસ પહેલા સાયન્સ સિટી વિસ્તારમાં થયેલ એક અકસ્માતમાં નિવૃત્તિના આરે પહોંચેલા નાગરિકનું મોત થયું હોવાનું સામે આવ્યુ. સામેથી આવતી ગાડીની LED લાઈટથી બાઈક ચાલક અંજાઈ ગ્યા અને રસ્તાની વચ્ચે ઝાડ સાથે અથડાયા. ત્યારે આને કારણે તેમને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ખૂબ લોહી વહી જવાના કારણે તેમનું મોત થયું.
આ ઉપરાંત દ્વારકા-પોરબંદર હાઈવે પર રોંગ સાઈડમાં આવતી કારે બાઈકને અડફેટે લેતા બેના ઘટનાં સ્થળે મોત થયા. કલ્યાણપુરાનાં બાયપાસ રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર બંને શિક્ષકમિત્રોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હોવાની ખબર છે. દહેગામનાં રખિયાલ પાસે એક અજાણ્યા વાહન ચાલકની કરતૂત સામે આવી છે. બેફામ દોડતી કારે રીક્ષાને ટક્કર મારી હતી જેને કારણે એક મહિલાનું મોત નિપજ્યું.