અમેરિકા જતી ફલાઇટમાં ભેગા થઇ ગયા 4 ગુજ્જુ કલાકારો, ચાહકોને “મારા શોમાં આવજો” એમ કહેતા કહેતા થઇ ગઈ માથાકૂટ… જુઓ વીડિયો

ગુજરાતમાં અને દેશભરમાં હાલ નવરાત્રીની મોટી ધૂમ જોવા મળી. નવરાત્રીના નવ દિવસ ઉપરાંત દશેરાના દિવસે પણ ઘણી જગ્યાએ ગરબા યોજાયા જેમાં ગુજરાતના મોટાભાગના ખ્યાતનામ સિંગરોએ ખેલૈયાઓને મન મૂકીને ઝુમાવ્યા હતા. ત્યારે હવે ભારતમાં નવરાત્રી પૂર્ણ થતા જ વિદેશમાં પણ કાર્યક્રમોનો રમઝટ જામવા માટે તૈયારીઓ થઇ રહી છે.

વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ તહેવારોનો ખુબ આનંદ માણતા હોય છે અને તેથી જ ગુજરાતી ગાયકોને પણ તેઓ ખાસ વિદેશમાં બોલાવી તેમના સુર અને તાલ ઉપર ઝુમતા હોય છે, હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ગુજરાતના ચાર કલાકારો અમેરિકા જવા માટે રવાના થયા છે, અને ચારેય કલાકારો એક જ ફલાઇટમાં છે.

ગુજરાતના ખ્યાતનામ ગાયક પાર્થિવ ગોહિલ તેમની પત્ની માનસી પારેખ ઉપરાંત લોકપ્રિય ગાયિકા કિંજલ દવે અને ભૂમિ ત્રિવેદી એક જ ફલાઇટમાં અમેરિકાની સફર ઉપર છે. જેની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. માનસી પારેખ અને ભૂમિ ત્રિવેદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર આ તસવીરો શેર કરી છે.

માનસી પારેખે તસવીરો શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું છે. “જ્યારે ફ્લાઇટમાં 4 કલાકારો હોય અને તમામ 4 ગુજ્જુ હોય અને ફ્લાઇટ નવરાત્રિ પછી ઉપડતી હોય.. તે યુએસ માટે જ હોવી જોઈએ.” આ તસવીરમાં માનસી પારેખ સાથે પાર્થિવ ગોહિલ, કિંજલ દવે અને ભૂમિ ત્રિવેદી જોવા મળી રહ્યા છે અને તમામના ચહેરા ઉપર અનેરી ખુશી પણ જોવા મળી રહી છે.

આ ઉપરાંત તેમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં આ ચારેય કલાકારો વીડિયોમાં કાર્યક્રમમાં આવવા માટેનું આમંત્રણ આપતા જોઈ શકાય છે. પરંતુ આ આમંત્રણ ખુબ જ રસપ્રદ અને ફની બની ગયું છે, વીડિયોની શરૂઆતમાં પાર્થિવ ગોહિલ ચાહકોને આમંત્રણ આપતા જોવા મળે છે અને તેમની બાજુમાં માનસી પારેખ છે.

પાર્થિવ ગોહિલ કહે છે,. “હું છું પાર્થિવ ગોહિલ અને હું ફ્લાઈટમાં બેસી ગયો છું અમેરિકા આવવા માટે, તમને ભાવભર્યું આમંત્રણ છે, તમારે મારા શોમાં આવવાનું છે…” પાર્થિવ ગોહિલ બોલતા હોય છે ત્યારે જ બાજુમાંથી અચાનક કિંજલ દવે આવે છે અને તેમને રોકીને બોલે છે, “હું છું કિંજલ દવે અને તમારે મારા શોમાં આવવાનું છે.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

પરંતુ વીડિયોમાં ત્રીજો ટ્વીસ્ટ પણ આવે છે, જયારે કિંજલ દવે બોલતી હોય છે ત્યારે જ બાજુમાંથી ભૂમિ ત્રિવેદી તાળી વગાડતા આવે છે અને કહે છે કે “એક સેકેંડ એક સેકેંડ.. હું છું ભૂમિ ત્રિવેદી અને અમે બધા યુએસએ આવી રહ્યા છે, તમારા બધા માટે, મારા શોમાં તમારે આવવાનું છે ” જેના બાદ બધા જ મારા શોમાં આવવાનું છે, મારા શોમાં આવવાનું છે એમ કહે છે અને છેલ્લે અંબે માતાજીની જય બોલાવે છે.”

Niraj Patel