ગુજરાત: આ ગામમાં શહીદનો પાર્થિવ દેહ આવવાની સાથે જ આખું ગામ હીબકે ચઢ્યું, જોવા મળ્યા હૃદય દ્રાવક દૃશ્યો

જૂનાગઢ જિલ્લામાં આવેલા માંગરોળના રહીજ ગામના 33 વર્ષીય વીર જવાન વિક્રમસિંહ બહાદુરસિંહ ચુડાસમાના પાર્થિવ દેહને રહીજ ગામમાં લાવવાની સાથે જ આખું ગામ હીબકે ચઢ્યું હતું. ગામની અંદર હૃદય દ્રાવક દૃશ્યો સર્જાયા હતા. ગામ લોકોએ ભીની આંખે શાહિદને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

જવાન વિક્રમસિંહ રાજસ્થાનના જયપુર ખાતે ફરજ બજાવતા હતા. જેમનો અશ્વ સવારી તાલીમ દરમિયાન અકસ્માત થવાના કારણે તેઓ શહીદ થયા હતા. તેમની શહીદીની ખબર મળવાની સાથે જ આખા ગામ સમેત સમગ્ર તાલુકા પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.

શનિવારના રોજ વીર શહીદ વિક્રમસિંહના પાર્થિવ દેહને વતન રહીજમાં લાવવામાં આવ્યો હતો ત્યારે માંગરોળ કેશોદ બાયપાસ ચોકડી ઉપર પણ ગૌ રક્ષા સેનાએ દ્વારા ફૂલો વરસાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે માંગરોળ મામલતદાર, ડીવાયએસપી જે.ડી.પુરોહિત, પંથકના રાજકીય આગેવાનો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. વીર જવાન શાહિદને રહીજ ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે આર્મીના જવાનોએ સલામી આપી હતી.

શહીદ જવાનના પરિવારમાં માતાપિતા, ભાઈ, પત્ની, અને બે પુત્રો હોવાનું જાણવા મળેલ છે. વિક્રમ સિંહ મહારાષ્ટ્રના નાસિકમાં પરમનેન્ટ પોસ્ટિંગ ધરાવતા હતા અને તેમનું હોર્સ રાઈડીંગની નેશનલ ટીમમાં સિલેક્શન થયું હતું.

વિક્રમસિંહ અગાઉ 2015 થી 2021 સુધી મુંબઈ,જયપુર,બેંગલોર,દિલ્હી સહિતના શહેરોમાં યોજાયેલી અશ્વ સવારીની સ્પર્ધાઓમાં અસાધારણ પ્રદર્શન કરી 12 થી વધુ બ્રોન્ઝ, સિલ્વર તથા ગોલ્ડ મેડલો પણ જીત્યા હતા.

આ ઉપરાંત તે આગામી દિવસોમાં યોજાનારી એશિયન ગેમ્સની તૈયારી માટે તેઓ રાજસ્થાનના જયપુર ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. એ સમયે ગત તા.20 મેના રોજ સાંજે ઘોડા પરથી પડી જતા તેઓનું ઘટના સ્થળે જ નિધન થયું હતું.

Niraj Patel