કચ્છના હેમાંગ ગાલાનું પૂણેમાં થયું મૃત્યુ, 150 ફીટ નીચેથી લાશ મળી

પૂણેના સિંહગઢ ખાતે ગુજરાતી યુવકનું થયું દર્દનાક મૃત્યુ, હેમાંગે 21 કિમી દોડમાં ભાગ લેવા ગયો અને અચાનક જ….

શનિવારે બપોરે પુણેના સિંહગઢ કિલ્લામાં હિલ મેરેથોન ઇવેન્ટ દરમિયાન થયેલા ભૂસ્ખલનમાં 31 વર્ષીય ટ્રેકરનું મોત થયું હતું. શનિવારે મોડી રાત્રે પોલીસ અને સર્ચ ટીમ દ્વારા એક મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતકની ઓળખ પુણેના ભંડારકર રોડના રહેવાસી હેમાંગ ગાલા તરીકે કરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગાલા એક બિઝનેસમેન હોવાની સાથે-સાથે ઉત્સુક ટ્રેકર પણ હતો, તેણે અગાઉ સહ્યાદ્રી અને હિમાલયમાં અનેક ટ્રેક્સમાં ભાગ લીધો હતો. હવેલી વિભાગના પ્રભારી આઈપીએસ અધિકારીએ જણાવ્યું કે, ‘શનિવારે સિંહગઢ કિલ્લા પર એક દિવસીય હિલ મેરેથોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન ગાલાએ 21 કિમી દોડમાં ભાગ લીધો હતો. બપોર બાદ ગાલાનું લોકેશન ન મળતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે સ્થાનિક ગ્રામજનો, પોલીસ અને વન વિભાગની ટીમ સર્ચ ઓપરેશનમાં જોડાઈ હતી. સર્ચ ટીમને મોડી રાત્રે સિંહગઢ કિલ્લાના કલ્યાણ દરવાજા પાસે ભૂસ્ખલનના કાટમાળ નીચે દટાયેલો ગાલાનો મૃતદેહ મળ્યો. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગાલાને બપોરે 3 વાગ્યાથી 4 વાગ્યાની વચ્ચે ભૂસ્ખલન નડ્યું હતું અને તેને ગંભીર ઈજાઓ થઈ હતી.

સર્ચ ઓપરેશન શરૂ થતાં જ ગાલાના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી હતી. મેરેથોનની વાત કરીએ તો, આ રસ્તો જંગલ અને કિલ્લા પરથી જતો હતો. આ દોડમાં 300 જેટલા લોકોએ ભાગ લીધો હતો. જેમાંથી હેમાંગ એક હતો. સાંજે 5 વાગ્યા આસપાસ ટ્રેકિંગ પૂર્ણ થયા પછી ગણતરી કરવામાં આવી હતી અને આ દરમિયાન હેમાંગ ન હતો. ત્યારે હેમાંગના ઘરે પૂછપરછ કરતા તે ત્યાં પણ ન હતો.

જે બાદ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ અને વન અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓ તાનાજી ભોસલે અને રમેશ ખામકરે સર્ચલાઈટ્સનો ઉપયોગ કરીને નીચે ઊતર્યા ત્યારે શનિવારે રાત્રે 11.30 વાગ્યે ભેખડના પથ્થરોની નીચેથી હેમાંગનો મૃતદેહ મળી આવ્યો હતો. હેમાંગના પિતાએ જણાવ્યુ કે, હેમાંગ દોડમાં પ્રથમ અને બીજા નંબર પર હતો, પરંતુ અધવચ્ચે જ આ દુર્ઘટના બની. તેઓએ જણાવ્યુ કે, તેમનો આર્ટિફિશિયલ ફ્લાવરનો બિઝનેસ છે અને હેમાંગ પણ તેમની જોડે જ કામ કરતો હતો.

જો કે, છેલ્લા છ-આઠ મહિનાથી તેને પર્યાવરણ સાથે લગાવ હોવાને કારણે તેણે પ્લાસ્ટિક મુક્ત પેકેજિંગમાં સંશોધન શરૂ કર્યું હતું. તેણે સારી એવી પ્રગતિ કરી હતી અને સંશોધન પૂરુ થવાના આરે જ હતુ. પરંતુ કમનસીબે આ દુર્ઘટના ઘટી. મૃતકે પુણેમાંથી બીઈ ઈન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ કર્યું હતું. તે ટ્રેકિંગ કંપની જોડે કામ કરતો હતો. આ ક્ષેત્રમાં ભરપૂર વાંચન કર્યું છે. તે ગ્રુપ્સને ટ્રેકિંગમાં લઈ જતો.માઉન્ટ એવરેસ્ટ ચઢવાના ખ્વાબ જોનાર હેમાંગનુ નાનકડી પહાડી પરથી પડીને મોત થયુ હતું.

Shah Jina