ગુજરાતમાં હાર્ટ એટેકથી વધુ એક આશાસ્પદ યુવાનનું મોત, ચાલુ ગાડીમાં જ ઉપડ્યો છાતીમાં દુઃખાવો અને હોસ્પિટલ પહોંચે એ પહેલા જ મળ્યું મોત

ક્રિકેટ, જિમ અને લગ્નમાં ડાન્સ કરતા યુવકોના હાર્ટ એટેકમાં મોત બાદ હવે કાર ડ્રાઈવ કરી રહેલા યુવકનું મોરબીમાં મોત, આખા શહેરમાં સન્નાટો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. જેમાં ઘણા નાની ઉંમરના યુવાનો પણ મોતને ભેટી રહ્યા છે. ઘણા યુવાનોને જિમમાં કસરત કરતા સમયે હાર્ટ એટેક આવે છે તો ઘણા યુવાનોને ક્રિકેટ કે કોઈ અન્ય રમત દરમિયાન હાર્ટ એટેક આવતા હોય છે. ત્યારે હાલ એક યુવકને ચાલુ ડ્રાઈવિંગ દરમિયાન હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું હતું.

આ ઘટના સામે આવી છે મોરબીમાંથી. જ્યાં વાંકાનેર નજીક આવેલા વઘાસીયા ટોલનાકા પાસે મોરબી તરફ ગાડી લઈને જઈ રહેલા 30 વર્ષીય યુવાન નરપત ઉભડીયાને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેના બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પણ લઇ જવામાં આવ્યો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

પરંતુ હોસ્પિટલમાં પહોંચતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જેની પાછળનું કારણ હાર્ટ એટેક હોવાનું જાણવા મળ્યું હતું. એક આશાસ્પદ યુવકના મોતના કારણે સમગ્ર શહેરમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો. ત્યારે ગુજરાતમાંથી એક પછી એક યુવાનોમાં સામે આવી રહેલી હાર્ટ એટેકની ઘટનાઓ ચિંતાનું કારણ બની છે.

(પ્રતીકાત્મક તસવીર)

થોડા દિવસ પહેલા જ રાધનપુર એસ.ટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહેલા ભારમલભાઈ આહીર પણ સોમનાથથી રાધનપુર બસ લઈને જવા નીકળ્યા હતા ત્યારે જ તેમને રાધનપુરથી એક કિલોમીટર પહેલા જ છાતીમાં દુખાવો થયો. તેમને ગમે તેમ કરીને બસ રાધનપુર ડેપોમાં પહોંચાડી અને તેમના સહકર્મી તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા ત્યાં તેમનું મોત નીપજ્યું.

Niraj Patel