સુરત: દીકરી સાથે છેલ્લી વાર વીડિયો કોલમાં વાત કરી અને પિતાએ દુનિયાને કહ્યું અલવિદા, સુરતના કોરોના વોરિયર્સને ભરખી ગયો કોરોના

કોરોનાએ ઘણા પરિવારોને વેર વિખેર કરી નાખ્યા છે, ઘણા પરિવારોમાં બાળકો અનાથ બની ગયા છે તો ઘણા બાળકોના માથેથી માતા પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ છે. તો ઘણા પરિવારો જ કોરોનાએ ઉજળી દીધા છે. આવા ઘણા કિસ્સાઓ સોશિયલ મીડિયા અને સમાચારમાં સાંભળવા મળે છે. ત્યારે હાલ એવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મહાનગર પાલિકામાં સિવિલ સુપરવાઈઝર તરીકે કામ કરતાં અંકિત કોન્ટ્રાક્ટરને 16 દિવસ અગાઉ કોરોના પોઝિટિવ આવ્યા બાદ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

પરંતુ હોસ્પિટલમાં પણ કોઈ દવા તેમના ઉપર અસર ના કરી શકી અને ગતરોજ 3 વર્ષની બાળકીએ પપ્પાને ફોન કરીને કહ્યું કે, “પપ્પા તમને કેવુ છે, ઘરે કયારે આવશો ?” બસ પોતાની દીકરીની આટલી વાત સાંભળી અને પિતા ઘરે પહોંચવાના બદલે સીધા અનંતની વાટે ચાલી નીકળ્યા. જેના કારણે આખો પરિવાર શોકમગ્ન બની ગયોહતો .

અંકિતના લગ્નની વર્ષગાંઠ પણ ત્રણ દિવસ પહેલા જ હતી ત્યારે અંકિતે હોસ્પિટલમાં રહીને પત્ની સાથે વીડિયો કોલ કરીને વર્ષગાંઠની ઉજવણી પણ કરી હતી. પરંતુ ત્યારે કોઈને પણ કભર નહોતી કે ત્રણ દિવસ બાદ અંકિત આ દુનિયાને અલવિદા કહીને હંમેશને માટે ચાલ્યો જશે.

અંકિતને હોસ્પિટલની અંદર હૂંફ મળી રહે તે માટે સંબંધીઓ દ્વારા વીડિયો કોલ કરવામાં આવ્યો હતો. અને દીકરી સાથે વાત કરાવી હતી, તે સમયે અંકિતને ઓક્સિજન ચાલી રહ્યું હતું અને વેન્ટિલેટરનો અવાજ પણ આવી રહ્યો હતો. તે છતાં પણ દીકરીએ જયારે પૂછ્યું કે “પપ્પા ઘરે ક્યારે આવશો ?” ત્યારે અંકિતે કાલે આવીશ એમ જણાવ્યું હતું, પરંતુ અંકિત આ દુનિયા છોડીને જ ચાલ્યો ગયો.

Niraj Patel