વલસાડના તિથલ રોડ પર વિચિત્ર બનાવ: 1 કલાકના અંતરમાં જ 2 લોકોના જીવ લઇ ગયો હાર્ટ એટેક, હાર્ટ એટેકથી બચવું હોય તો ટિપ્સ જાણો
2 people heart attack in Valsad : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે અને ઘણા બધા લોકોના હાર્ટ એટેકના કારણે મોત પણ થઇ રહ્યા છે. ખાસ કરીને હાર્ટ એટેકથી મોતને ભેટનારાઓમાં યુવાનો વધારે સામેલ છે, નાની ઉંમરના બાળકોને પણ હવે તો હાર્ટ એટેક આવતા રહે છે, ત્યારે ઘણા લોકો કસરત કરતા હોય કે પછી ગાડી ચાલવતા હોય કે કોઈને ચાલતા ચાલતા પણ હાર્ટ એટેક આવી જાય છે. હાલ વલસાડમાંથી બે લોકોના હાર્ટ એટેકથી મોત થવાના કારણે ચકચારી મચી ગઈ છે.
500 મીટરમાં જ બે લોકોને હાર્ટ એટેક :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વસલાડમાં આવેલા તિથલ રોડ પર ફક્ત 500 મીટર વિસ્તારની અંદર જ માત્ર 1 કલાકની અંદર જ બે લોકોના હાર્ટ એટેકથી અચાનક મોત થવાના કારણે લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે, જેમાં એક વ્યક્તિ ઘરેથી નોકરી માટે જઈ રહ્યો હતો તે દરમિયાન જ તેને હાર્ટ એટેક આવતા મોત થયું તો બીજા બનાવમાં RTOના કર્મચારીને પણ હાર્ટ એટેક આવતા તેમનું પણ પણ મોત નિપજતા આસપાસમાં શોકનો માહોલ છે.
નોકરીએ જતા આવ્યો હાર્ટ એટેક :
પહેલી ઘટનાની વાત કરીએ તો વલસાડના તિથલ રોડ પર રહેતા 51 વર્ષીય રાજેશ સિંઘ નામના વ્યક્તિ પોતાના ઘરેથી ચાલીને નોકરીએ જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન જ તેમને રસ્તામાં ચાલતા ચાલતા જ હાર્ટ એટેક આવી ગયો હતો અને તે નીચે પડી ગયા હતા. જેના બાદ સ્થાનિકો પણ તરત તેમની પાસે દોડી આવ્યા અને તેમને હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર તબીબોએ રાજેશભાઈને મૃત જાહેર કર્યા હતા.
RTO કર્મચારીનું મોત :
જયારે બીજા બનાવામાં 500 મીટરના અંતરે જ રહેતા અને વલસાડ RTOમાં ફરજ બજાવતા 30 વર્ષીય કર્મચારી જીમિત રાવલને પણ હાર્ટ એટેક આવ્યો હતો. જીમિતને હાર્ટ એટેકનો હુમલો આવતા જ તેમને તાત્કાલિક સારવાર માટે વલસાડમાં આવેલી કસ્તુરબા હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવ્યા પરંતુ ત્યાં તબીબે તેમને પણ મૃત જાહેર કર્યા હતા. ત્યારે એક સાથે થોડી જ ક્ષણોમાં 2 લોકોના મોતથી લોકોમાં પણ ભારે શોક જોવા મળ્યો હતો.
મોટાભાગના લોકો હાર્ટ એટેક આવતા પહેલાના લક્ષણો (Heart attack symptoms) પર ધ્યાન નથી આપતા. ત્યારે આજે અમે તમને એવા જ કેટલાક લક્ષણો જણાવીશું. સર્ક્યુલેશન જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર હાર્ટ એટેકના 1 મહિના પહેલા તેના લક્ષણો દેખાવા લાગે છે.
આ સંશોધનમાં 500થી વધુ મહિલાઓ સામેલ હતી જેઓ હાર્ટ એટેકથી બચી ગઈ હતી. એકંદરે 95 ટકા સહભાગીઓએ જણાવ્યું હતું કે તેઓએ તેમના હાર્ટ એટેકના એક મહિના પહેલા શરીરમાં કેટલાક લક્ષણો જોયા હતા.
જ્યારે 71 ટકા લોકોએ થાકને એક સામાન્ય લક્ષણ તરીકે નોંધ્યું હતું, જ્યારે 48 ટકાએ જણાવ્યું હતું કે તેઓ ઊંઘની સમસ્યા અનુભવે છે. કેટલીક સ્ત્રીઓએ છાતીમાં દુખાવો, દબાણ, દુખાવો અથવા છાતીમાં જકડાઈ જવાની પણ જાણ કરી હતી.
વાત કરીએ હાર્ટ એટેકના લક્ષણોની તો તેમાં થાક, ઊંઘની સમસ્યાઓ, અપચો, ચિંતા કરવી, હૃદયના ધબકારા, હાથની નબળાઇ / ભાર, વિચાર અથવા મેમરીમાં ફેરફાર, દ્રષ્ટિ પરિવર્તન, ભૂખ ન લાગવી, હાથ અને પગમાં કળતર, રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થવી જેવી બાબતો છે. આ ઉપરાંત હાર્ટ એટેકની સામાન્ય બાબત પર નજર કરીએ તો મોટાપો, ડાયાબિટીસ, વધુ પડતો કોલેસ્ટ્રોલ, હાઈ બીપી, ધૂમ્રપાન અને અતિશય દારૂનું સેવન, વધારે પડતો ચરબીયુક્ત આહાર પણ સામેલ છે.
તમારા હાર્ટને સુરક્ષિત રાખવા માટે, સ્વસ્થ, સંતુલિત આહાર લો અને તમારા પ્રોસેસ્ડ, ખાંડવાળા ખોરાકનું સેવન મર્યાદિત કરો. નિયમિતપણે વ્યાયામ કરો, તંદુરસ્ત વજન જાળવો, તમારા બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરો. જો તમે મદ્યપાન અથવા ધૂમ્રપાન કરતા હો, તો તેને ધીમે ધીમે છોડો અથવા તેને ઓછું કરો.
જો તમને હાર્ટ એટેકના લક્ષણો દેખાય, તો તાત્કાલિક તબીબી સારવાર માટે તમારી નજીકની હોસ્પિટલનો સંપર્ક કરો. તેમજ જો કોઈ વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવે અને તેને શ્વાસ લેવામાં તકલીફ થાય, તો શરીરમાં લોહીનો પ્રવાહ જાળવવા અથવા પુનઃસ્થાપિત કરવા માટે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) શરૂ કરો. નિષ્ણાતો કહે છે કે જો CPR કાર્ડિયાક અરેસ્ટની શરૂઆતની થોડી મિનિટોમાં કરવામાં આવે તો તે વ્યક્તિના બચવાની શક્યતા બમણી કરી શકે છે.