કોઈની સ્મશાન યાત્રામાં જવું સારું માનવામાં આવે છે, જયારે પણ આપણે રસ્તા ઉપરથી પસાર થઈને કોઈની અંતિમ યાત્રા નીકળતી હોય છે ત્યારે આપણે પણ એ વ્યક્તિની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરતા હોઈએ છીએ. ત્યારે સ્મશાનમાં પણ તમે જોયું હશે કે જયારે અંતિમ સંસ્કાર કરવાના હોય છે ત્યારે પણ ચિતાને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે અને ડાઘુઓ દ્વારા ખુબ જ કાળજીથી ચિતાને આગ લગાવવામાં આવે છે. ત્યારે હાલ એક એવો મામલો સામે આવ્યો છે જેમાં ચિતાને આગ આપવા જતા બે લોકોના મોત થયા છે.

આ હૃદયકંપાવી દેનારી ઘટના મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં ઘટી છે. અંતિમ સંસ્કાર દરમિયાન આગ લાગવાથી બે લોકોએ જીવ ગુમાવ્યા છે અને એક વ્યક્તિ ગંભીર હાલતમાં જીવન-મરણ વચ્ચે લડી રહ્યો છે. મળતી માહિતી મુજબ, જિલ્લાના કમ્પટી ખાતે ચિતાને અગ્નિદાહ આપતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ત્રણ લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. સ્થળ પર હાજર લોકો તેને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં બે લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ગુરુવારે સાંજે જિલ્લા મુખ્યાલયથી લગભગ 30 કિમી દૂર કમ્પ્ટીમાં સ્થિત સ્મશાન ભૂમિ મોક્ષ ધામ ઘાટ પર બની હતી. આ ઘટના ત્યારે બની જ્યારે સ્થાનિક રહેવાસી સિદ્ધાર્થ હુમણેના આકસ્મિક મૃત્યુ બાદ લોકો મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા ઘાટ પર પહોંચ્યા હતા.
તમામ પીડિતો એક વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાનગૃહમાં ગયા હતા. ચિતા પ્રગટાવવા માટે ડીઝલનો ઉપયોગ કરતી વખતે ડબ્બામાં આગ લાગી હતી. જેમાં 45 વર્ષીય સુધીર ડોંગરે અને 60 વર્ષીય દિલીપ ખોબરાગડેનું મોત થયું હતું, જ્યારે 50 વર્ષીય સુધાકર ખોબ્રાગડે હોસ્પિટલમાં દાખલ છે અને તેમની હાલત ગંભીર છે.
ચિતા સળગાવ્યા પછી, ત્રણેય પીડિતો તેના પર ડીઝલ રેડતા હતા, જેના કારણે આગની જ્વાળાઓ વધવા લાગી અને ડીઝલના ડબ્બામાં આગ લાગી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અંતિમ સંસ્કારમાં સામેલ લોકોએ આગ બુઝાવી દીધી અને ત્રણેયને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે લોકોના મોત થયા હતા. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.