બાળકોને મોબાઈલ આપતા પહેલા ચેતજો, સુરતમાં બાપે દીકરાને મોબાઈલ માટે ઠપકો આપ્યો તો ગળું દબાવીને લઇ લીધો પિતાનો જીવ

આજકાલના યુવાનોમાં મોબાઈલની લત ખુબ જ જોવા મળી રહી છે. આપણી આસપાસ પણ નાની નાની ઉંમરના બાળકો પણ મોબાઈલ વાપરતા જોવા મળે છે. વળી ઓનલાઇન ગેમના રવાડે ચઢી ગયેલા યુવાનો અને કિશોરો પણ તમને ગલીએ ગલીએ મળી જશે. ત્યારે આ ઓનલાઇન ગેમ અને મોબાઈલની લત ક્યારે જીવલેણ પણ સાબિત થઇ શકે છે.

હાલ એવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. જ્યાં મોબાઈલ માટે ઠપકો આપવો એક પિતાને ભારે પડી ગયો હતો, અને દીકરાએ જ પિતાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હોવાનું સામે આવી રહ્યું છે. મોબાઈલ ફોનમાં ગેમ રમવાની લતે ચઢી ગયેલા સગીર પુત્ર પાસેથી પિતાએ મોબાઇલ લઈ લીધો હતો. જેને લઈને ઝઘડો થતા સગીરે પિતા ઉપર હુમલો કરી તેમની હત્યા કરી નાખી છે.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર સુરતના ઇચ્છાપોરના કવાસ ગામમાં અર્જુન સરકાર તેમના પરિવાર સાથે રહે છે. જેમનો 17 વર્ષનો સગીર દીકરાને મોબાઇલમાં ગેમ રમવાનો ખુબ જ શોખ હતો, જે બાબતે તેના પિતાએ દીકરાને ઠપકો આપ્યો હતો. જેને લઇને ઝઘડો થતાં આ સગીરે પિતા ઉપર હુમલો કરી તેમની હત્યા કરી નાખી હતી.

પિતાની હત્યા કર્યા બાદ સગીરે પિતાનું બાથરૂમમાં પડી જવાથી મોત થયું હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. કારણ કે 6 દિવસ પહેલા જ તેના પિતા બાથરૂમમાં પડી ગયા હતા, જેની હિસ્ટ્રી પણ દીકરા અને પરિવારને જાણ હતી. જોકે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સગીરનો ભાંડો ફૂટી ગયો હતો. આ મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારા સગીર પુત્રની અટકાયત કરી છે.

40 વર્ષીય અર્જુન સરકારને મંગળવારે રાત્રે નવી સિવિલ હોસ્પિટલમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યો હતો. જેના બાદ હોસ્પિટલમાં અર્જુન છ દિવસ પહેલાં બાથસ્મમાં પડી જતાં ઇજા થયાની હીસ્ટ્રી તેના 17 વષીય સગીર પુત્ર અને પરિવારે જણાવી હતી. આ બાબતે નવી સિવિલ હોસ્પિટલે ઇચ્છાપોર પોલીસને જાણ કરી હતી.

પોલીસને આ કેસ શંકાસ્પદ લાગતા ઉપરી અધિકારીને જાણ કરવામાં આવી હતી. જે બાદમાં ઇન્સ્પેક્ટર એન. એ. દેસાઇ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવતાં જ મામલો અકસ્માતનો નહીં પરંતુ હત્યાનો હોવાનું સ્પષ્ટ થયું હતું. 40 વર્ષીય શખ્સની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી.  જેના બાદ આ હત્યાનો ભેદ  ઉકેલાયો હતો અને દીકરાએ જ મોબાઈલ ફોન બાબતે ઠપકો આપવાના કારણે પિતાની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

Niraj Patel