17 વર્ષના લાડકવાયાનો મૃતદેહ જોઈ માતાપિતા ચોધાર આસુંએ રડી પડ્યા, પરીક્ષા આપતા ઢળી પડ્યો, જુઓ
Rajkot Heart Attack News : ગુજરાતમાંથી અવાર નવાર હાર્ટ એટેકથી મોતના કિસ્સા સામે આવે છે. હાલમાં જ અરવલ્લીમાંથી 20 વર્ષિય યુવકનું ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેકને કારણે મોત નિપજ્યુ, ત્યારે હાલમાં રાજકોટમાંથી એક મોતનો મામલો સામે આવ્યો. જેમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં પરીક્ષા આપતી વખતે ધોરણ 12નો વિદ્યાર્થી ચક્કર ખાઇ બેભાન થઈ ઢળી પડ્યો અને આ ઘટનાને પગલે સાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં દોડધામ મચી ગઈ.
17 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત
જો કે, વિદ્યાર્થીને તરત જ હોસ્પિટલ ખસેડાયો પણ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલાની જાણ પરિવારને કરાતા તે પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા. જણાવી દઇએ કે, હાલ તો વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકથી થયુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતકનું નામ મુદિત નડિયાપરા છે અને તે માત્ર 17 વર્ષનો જ હતો. પુત્રના મોત બાદ પિતા હોસ્પિટલમાં ભાંગી પડ્યા હતા. એવું સામે આવ્યુ છે કે મુદિતને માત્ર સામાન્ય શરદીની તકલીફ હતી અને પાંચ પિરિયડ પૂરા થયા બાદ રિસેસ હતી અને પછી તે પરીક્ષા આપવા ક્લાસમાં બેઠો ત્યારે અચાનક ચક્કર ખાઇ ઢળી પડ્યો.
પરીક્ષા આપવા દરમિયાન અચાનક ઢળી પડ્યો
મુદિત ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. તેના પિતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી તરીકે ફરજ બજાવે છે. ઉલ્લેખનીય છે કે, મુદિતના પિતાએ જણાવ્યુ કે, તે સ્કૂલે ગયો હતો અને તેને ચક્કર આવતા તે પડી ગયો અને બેભાન થઈ ગયો. તેને બીજી કોઈ તકલીફ નહોતી, ખાલી શરદીની એલર્જી હતી. તેઓ કહે છે કે પરિવારમાં ચાર સભ્યો હતા અને હવે માત્ર ત્રણ જ રહ્યાં છે. ભગવાનની આગળ આપણું શું ચાલે ?
CPR જેવી બેઝિક ટ્રીટમેન્ટ અપાઇ પણ જિંદગીની જંગ હારી ગયો
મુદિતના મોત બાદ ક્લાસ ટીચરે જણાવ્યું કે, તે એકદમ ઠીક હતો. નાસ્તો-પાણી કરીને તે પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો અને છઠ્ઠા અને સાતમાં પિરીયડમાં ગુજરાતી વિષયની એકમ કસોટી દરમિયાન તે અચાનક ઢળી પડ્યો અને પછી તાત્કાલિક તેને પાણી છાંટીને ઓસી રૂમમાં લઈ જવામાં આવ્યો. જો કે, પહેલા ટીચરોએ CPR જેવી બેઝિક ટ્રીટમેન્ટ કરીને 108ને બોલાવી. પછી 108ની મદદથી સિવિલ હોસ્પિટલ ખસેડાયો.