ગાંધીનગરમાં SP કચેરી નજીક જ રખડતા ઢોરની ચપેટે આવતા 27 વર્ષના યુવકનું મોત, બિચારા દિવ્યાંગ માતા પિતા નોધારા બન્યા

Youth Died In An Accident With A Cow Gandhinagar: ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત છે. છેલ્લા થોડા જ સમયમાં રખડતા ઢોરના કારણે ઘણી બધી દુર્ઘટનાઓ પણ બની છે. કેટલાય લોકો અકસ્માતનો ભોગ બન્યા છે, તો કેટલાક લોકોના મોત પણ થયા છે. ઘણીવાર રખડતા ઢોર કોઈ રાહદારી પર હુમલો કરી દેતા હોવાનું પણ સામે આવતું રહે છે, ત્યારે હાલ વધુ એક ઘટના ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી સામે આવી છે. જ્યાં રખડતા ઢોરે એક  યુવકનો જીવ લઇ લીધો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 29 જૂનના રોજ રાત્રીના 8 વાગ્યાની આસપાસ ગાંધીનગરના સેક્ટર 26માં રહેતો 27 વર્ષીય નિહાલ શાહ પોતાના એક્ટિવા પર માતાને બેસાડીને સેક્ટર 24 તરફ જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન SP ઓફિસ પાસેથી પસાર થતા સમયે જ અચાનક એક્ટિવાની સામે જ ગાય દોડી આવી હતી, જેથી નિહાલે બ્રેક મારતા જ એક્ટિવા સ્લીપ ખાઈ ગયું હતું અને માતા દીકરો બંને રોડ પર પટકાયા હતા.

આ અકસ્માતમાં નિહાલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જયારે તેની માતાના મોઢા પર ઈજાઓ થઇ અને પગના 3 હાડકામાં ફ્રેક્ચર પણ થયું હતું. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા નિહાલને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા બાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ચાર દિવસ સુધી જિંદગી અને મોત સામે લડ્યા બાદ નિહાલ હારી ગયો અને તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું.

નિહાલ તેના માતા પિતાનું એકમાત્ર સંતાન હતો, તેની બહેનનું પણ થોડા વર્ષો પહેલા અકસ્માતમાં મોત થયું હતું. સાથે જ તેના માતા પિતા પણ દિવ્યાંગ છે અને માતા પિતાની સંભાળ રાખનારો એક માત્ર દીકરો નિહાલ હતો, પરંતુ હવે નિહાલના મોત બાદ દિવ્યાંગ માતા પિતા પણ નોધારા બન્યા છે. તેની માતાને તો હજુ નિહાલના મોતની જાણ પણ નથી કરવામાં આવી. જ્યાં એ દિવ્યાંગ માતાને ખબર પડશે કે તેમનો દીકરો હવે આ દુનિયામાં નથી રહ્યો ત્યારે એ મા પર શું વીતશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે !

Niraj Patel