સુરત : યુવતિ સાથે પહોંચ્યો હોટલમાં અને જમ્યા બાદ બેડ પર જ ઢળી પડ્યો યુવક…રહસ્યમય મોત

ગુજરાતમાંથી અવાર નવાર રહસ્યમય મોતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં જ સુરતના ડીંડોલીમાંથી એક આવો મામલો સામે આવ્યો. જેમાં હોટલના રૂમમાં એક 28 વર્ષીય યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું. આ યુવક એક યુવતી સાથે હોટલમાં પહોંચ્યો હતો અને તે બાદ રહસ્યમય રીતે મોતને ભેટ્યો. હાલ તો આ મામલે ડીંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યુ છે કે હોટલમાં જમ્યા બાદ ખોરાક શ્વાસનળીમાં ફસાઈ જવાના કારણે યુવકનું મોત થયું હશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, ભેસ્તાન આવાસની સામે આવેલ અભિનંદન રો હાઉસના નવા બાંધકામમાં રહેતો 28 વર્ષીય તારિક અનવર સાદિક મજૂરીકામ કરી ગુજરાન ચલાવતો હતો. તે ગત રોજ સાંજના સમયે 26 વર્ષની યુવતી સાથે ડીંડોલીમાં પેવેલિયન પ્લાઝમાં આવેલ જેક સ્પેરો નામની હોટલમાં ગયો અને ત્યાં તેને 409 નંબરનો રૂમ આપવામાં આવ્યો હતો. અહીં તેણે જમવાનું મંગાવ્યું હતું.

જો કે જમ્યા બાદ તારિક અચાનક જ બેડ પર ઢળી પડ્યો અને આ પછી યુવતી દ્વારા હોટલના સ્ટાફને જાણ કરવામાં આવી. ત્યાર બાદ 108ને તાત્કાલિક જાણ કરાતા 108ની ટીમે પહોંચી યુવકને તપાસતા મૃત જાહેર કર્યો હતો. ઘટનાની ગંભીરતાને લઈ ડીંડોલી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.

હાલ તો યુવક સાથે આવેલી યુવતી અને હોટલ બંને શંકાના દાયરામાં છે. ડીંડોલી પોલીસે મૃતદેહને સ્મીમેર હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક રિપોર્ટમાં હોટલમાં જમ્યા બાદ ખોરાક શ્વાસનળીમાં ફસાઈ જવાના કારણે તારિકનું મોત નીપજ્યું હોવાનું કહેવાઇ રહ્યુ છે.

Shah Jina