મુંબઈના માનખુર્દ વિસ્તારમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો. પ્રથમેશ ભોકસે નામના છોકરાનું ખરાબ શોરમા ખાવાથી મોત થયું. આ કેસમાં કાર્યવાહી કરીને પોલીસે આનંદ કાંબલે અને મોહમ્મદ અહેમદ રાઇઝા શેખની ધરપકડ કરી છે. મુંબઈમાં બે અઠવાડિયામાં ફૂડ પોઈઝનિંગની આ બીજી ઘટના છે. હૉસ્પિટલના એક ડૉક્ટરે કહ્યું, “અમે તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે મંગળવારે મૃત્યુ પામ્યો.”
પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રોમ્બે પોલીસ સ્ટેશને શોરમા વિક્રેતા વિરુદ્ધ ઇરાદા વગર હત્યાનો કેસ નોંધ્યો અને બેની ધરપકડ કરી. ટ્રોમ્બે પોલીસ અધિકારીએ જણાવ્યું કે શોરમા ખાધા પછી યુવકને ઉલ્ટી, ઝાડા અને પેટમાં દુખાવો થવા લાગ્યો, ત્યારબાદ યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસને શંકા છે કે શોરમાનું ચિકન ખરાબ હતું.
પોલીસે બંને વિક્રેતાઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 304 અને 34 હેઠળ કેસ નોંધીને તેમની ધરપકડ કરી છે. તપાસ અધિકારીએ કહ્યું કે અમે હજુ પણ આ મામલાની તપાસ કરી રહ્યા છીએ. હોસ્પિટલના એક ડૉક્ટરે જણાવ્યું કે, “ઉનાળામાં રોડસાઇડ ચિકન ખાવાથી ગંભીર ફૂડ પોઇઝનિંગ અને જીવલેણ પરિણામ સહિત અનેક સ્વાસ્થ્ય જોખમ પેદા થાય છે.” ગોરેગાંવમાં રસ્તા કિનારે એક વિક્રેતાના ચિકન શોરમા ખાવાથી 12 લોકોને ફૂડ પોઇઝનિંગને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.