ગાંધીનગરમાં દાતરડું લઈને આવેલી મહિલા પોલીસની નજર સામે જ ગાયને છોડાવી ગઈ, પોલીસ પાછળ ગાય દોડી, જીવ બચાવવા પોલીસ ભાગી…

રાજયમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે અને તેને કારણે ઘણા લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. આ અંગે ગુજરાત હાઇકોર્ટે પણ રાજ્ય સરકારને ટકોર કરી હતી અને વેધક સવાલો પૂછ્યા હતા. જે બાદ ગુજરાત સરકારે નાગરિકો કે પશુઓ કોઇને તકલીફ ન પડે અને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવવા તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવા રાજયની 08 મહાનગરપાલિકાઓ અને 156 નગરપાલિકાઓમાં ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.

ત્યારે આ અંતર્ગત આજે ગાંધીનગરમાં મનપા દ્વારા ખાસ ઝંબેશ હાથ ધરવામાં આવી અને રોડ પર રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ આ દરમિયાન કંઇક એવું બન્યુ કે જે હાલ ચર્ચાનો વિષય બન્યુ છે. ગાંધીનગરમાં ખુલ્લેઆમ પશુમાલિકોની દાદાગીરી સામે આવી છે.હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન પશુમાલિકોની પોલીસકર્મી સાથે દાદાગીરી દેખાઇ રહી છે. જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં જોવા મળી રહ્યુ છે કે, એક મહિલા દાતરડુ લઇને આવે છે

અને પોલીસની નજર સામે જ પશુને છોડાવી ભાગી જાય છે. એક બાજુ તો જનતાને રખડતા ઢોરના ત્રાસથી બચાવવા તંત્ર અને પોલીસ છેલ્લા 3 દિવસથી ઢોર પકડવાની કામગીરી કરી રહી છે અને આ વચ્ચે પશુપાલકોની દાદગીરી સામે આવી રહી છે. જયારે મનપાની ઢોર પકડ પાર્ટી કામગીરી કરી રહી હતી ત્યારે એક માલધારી મહિલા આવી અને દાતરડું લઇને પહોંચી એસઆરપી જવાન તથા ઢોર પકડ પાર્ડીને દાતરડું બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી અને ગાયનું દોરડું કાપી તે છોડાવી ગઇ હતી.

જે ગાયને બાંધવામાં આવી હતી તેનું દોરડુ છૂટતા તે એસઆરપી જવાનની પાછળ દોડી હતી અને આને લઇને અફરા તફરી મચી ગઇ હતી. ગાંધીનગરના ખ-3 સર્કલ પાસે રખડતા ઢોરને પકડીને પાંજરામાં પુરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી હતી. આ દરમિયાન જ આ તમાશો જોવા મળ્યો હતો. મહિલાએ દાતરડું લઇ હુમલો કરતાં ઢોર પકડ પાર્ટી ગભરાઈ ગઈ હતી. પરંતુ તે મહિલા હોવાના કારણે એસઆરપી જવાને આમન્યા જાળવી હતી.

Shah Jina