રાજકોટની મહિલાને અગાસી ઉપર કપડાં સૂકવવા જવું પડ્યું ભારે, એસીના કોમ્પ્રેસરમાંથી વીજ કરંટ લાગતા બળીને થઇ ગઈ ભડથું

આપણી નાની અમથી ગેરકાળજી આપણો જીવ પણ લઇ શકે છે. ઘણીવાર એવી ઘટનાઓ બનતી હોય છે જેને જોઈને આપણા રુવાડા પણ ઉભા થઇ જાય ત્યારે હાલ રાજકોટમાંથી જે ઘટના સામે આવી છે તે ઘણા લોકો માટે ચેતવણીરૂપ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના હરિધવા રોડ ઉપર આવેલી રાજલક્ષ્મી સોસાયટી-1ના પટેલ ચોકમાં રહેતાં 50 વર્ષીય નીતાબેન મીઠાભાઇ રામાણી નામના મહિલા સવારે પોતાના નિત્યક્રમ પ્રમાણે અગાસી ઉપર કપડાં સૂકવવા માટે ગયા હતા. આ દરમિયાન જ ACના કમ્પ્રેસરમાં શોક સર્કિટ થતા આગ લાગી હતી. આગને બુઝાવવા મહિલાએ પ્રયત્ન કરતા ACના કમ્પ્રેશરમાંથી સીધો જ વીજશોક નીતાબેનને લાગ્યો હતો અને તે ત્યાં જ બળીને ભડથું થઇ ગયા હતા.

નીતાબેનને શોક લાગવાના કારણે તે બળવા લાગ્યા હતા અને તેનો ધુમાડો બાજૂમાં આવેલી સ્કૂલમાં ભણાવતા એક શિક્ષકે જોયો ત્યારે તેમને બહાર નીકળીને જોયું તો નીતાબેન સળગી રહ્યા હતા, જેના કારણે સ્કૂલમાં રહેલા અગ્નિશામક સાધનો દ્વારા તેમને પણ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો. પરંતુ નીતાબેનને બચાવી શકાયા નહોતા.

આ ઘટના બાબતે 108 તેમજ ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ ભયંકર શોકના કારણે નીતાબેન બાળીને ભડથું થઇ ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને નીતાબેનના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.

આ ઘટનાથી નીતાબેનના પરિવારમાં પણ શોક છવાઈ ગયો હતો. તેમના પરિવારમાં તેમના પતિ સમેત બે દીકરીઓ અને એક દીકરો છે.

Niraj Patel