અમદાવાદમાં પત્ની નોકરી કરે તે માટે પતિએ જબરું ષડયંત્ર રચ્યું, છેવટે પરિણીતા હારી ગઇ, ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો- જાણો સમગ્ર કહાની
Mother’s suicide due to loss of daughter : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ પ્રેમ પ્રસંગો કે પારિવારિક કારણોને લીધે આપઘાત કરી લેતા હોય છે. તો ઘણીવાર કેટલીક પરણીતાઓ પણ સાસરિયાના ત્રાસ કે પતિના અફેરના કારણે પણ મોતને વહાલું કરી લેતી હોય છે, પરંતુ હાલ અમદાવાદમાંથી જે ઘટના સામે આવી છે તે જાણીને તો તમારા રૂંવાડા ઉભા થઇ જશે.
આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર મૂળ હરિયાણાના અને અમદાવાદમાં કન્સ્ટ્રક્શન અને હોટલના બિઝનેસ સાથે સંકળાયેલા મનોજકુમાર જાટે પોતાની ત્રણ બહેનોમાંથી વચલી બહેન એનુના લગ્ન રજત હુડા નામના વ્યક્તિ સાથે સામાજિક રીતિ રિવાજ અનુસાર કરાવ્યા હતા. રજત પાસે કોઈ કામ ના હોવાના કારણે મનોજે તેની બહેન અને જીજાજીને અમદાવાદ બોલાવી લીધા હતા અને અમદાવાદમાં પોતાની હોટલમાં જ મેનેજર તરીકે નોકરી પર રાખ્યા હતા.
અમદાવાદ આવ્યાના થોડા સમય બાદ અનુ અને રજત વચ્ચે ઝઘડા થવા લાગ્યા, ત્યારે અનુએ આ ઝઘડા વિશે તેના ભાઈને પણ જણાવ્યું. ભાઈએ આ વાતને હળવાશમાં લીધી અને રજતને સમજાવવાનું કહ્યું. રજતને મનોજે કહ્યું કે મારી બહેન માટે મેં તમને અહીંયા સેટ કર્યા છે, દરેક વસ્તુ આપી છે તેમ છતાં તમે મારી બહેનને હેરાન કેમ કરો છો ? ત્યારે રજતે પોતાની ભૂલની માફી માંગીને ફરીથી આવું ક્યારેય નહિ થાય તેમ જણાવ્યું હતું.
ત્યારે સાળાની વાત માનીને રજતે ઝઘડા કરવાનું બંધ કરી દીધું, 2-3 મહિના સુધી પતિ પત્નીના સંબંધો એકદમ સારા રહ્યા અને એ દરમિયાન જ અનુ ગર્ભવતી પણ બની હતી. પરંતુ થોડા સમય બાદ જ અનુને રજતના મોબાઈલમાંથી કેટલીક એવી બાબતો જાણવા મળી કે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. રજતના અન્ય યુવતીઓ સાથે સંબંધો હોવાનું સામે આવ્યું અને તેના સ્ક્રીનશોટ પણ અનુએ મેળવી લીધા હતા.
આ બાબતે રજત સાથે વાત કરતા બંને વચ્ચે ફરીથી ઝઘડા શરૂ થઇ ગયા, રજત તેને માર પણ મારવા લાગ્યો, અનુએ તેનું પણ રેકોર્ડિંગ કરી લીધું અને પોતાના ભાઈને પણ આ બાબતે વાત કરી. થોડા જ સમયમાં અનુએ એક દીકરીને જન્મ આપ્યો, પરંતુ દીકરીના જન્મ બાદ પણ રજતની હરકતો બંધ ના થઇ. અનુ મૂંગા મોઢે પોતાની દીકરીના કારણે બધું જ સહન કરી રહી. પરંતુ રજત દીકરીના જન્મ બાદ અનુ પર નોકરી કરવા દબાણ કરવા લાગ્યો.
4 મહિનાની બાળકીના કારણે અનુ નોકરી કરી શકે તેમ નહોતી, જેના કારણે રજતે બાળકીને તેની માતાથી દૂર કરીને પોતાના વતનમાં પોતાની માતા પાસે મૂકી આવ્યો અને અનુ માટે નોકરી પણ શોધી લાવ્યો. બીજી તરફ અનુથી દીકરીનો વિરહ સહન ના થઇ શક્યો. દીકરીની યાદમાં તે સતત રડ્યા કરતી હતી. આખરે તેને પોતાના જીવનનો અંત લાવવાનું નક્કી કરી અને પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. આ મામલે અનુના ભાઈએ નારોલ પોલીસ મથકમાં જીજાજી રજત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.