વરઘોડામાં નાચતા નાચતા ગરમી ના લાગે એ માટે થઈને જાનૈયાઓએ અપનાવ્યો એવો જુગાડ કે જોઈને તમે હક્કાબક્કા રહી જશો, જુઓ વીડિયો

કાળઝાળ ગરમીમાં વરઘોડાની અંદર નાચવાનો આનંદ નહોતા માણી શકતા મહેમાનો, પછી ર્ક્યો એવો જુગાડ કે જોઈને તમે પણ કહેશો કે “આવું તો આપણા ભારતમાં જ જોવા મળે !”

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા બધા લોકો લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે. ત્યારે ઉનાળાનો કહેર પણ વર્તાઈ રહ્યો છે, ઠેર ઠેર કાળઝાળ ગરમી પણ પડી રહી છે, ત્યારે લગ્નની અંદર પણ આ ગરમીનો સામનો કરવો પડે છે અને તેમાં પણ જો વરઘોડો કાઢવામાં આવે ત્યારે તો પૂછવું જ શું ? ડાન્સ કરતા કરતા જ પરસેવે રેબઝેબ થઇ જવાય. ત્યારે હાલમાં એક એવો જુગાડ જાનૈયાઓએ અપનાવ્યો કે તે જોઈને લોકો પણ હેરાન રહી ગયા.

ઉનાળાની ઋતુમાં અનેક લગ્નો થાય છે. આવી સ્થિતિમાં લગ્નના વરઘોડામાં જાનૈયાઓને ઠંડા રાખવાનો આ જુગાડ ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે. વરઘોડામાં ડાન્સ કરતી વખતે ઘણો પરસેવો થાય છે, જેના કારણે ઘણા સંબંધીઓ અને મહેમાનો ડાન્સ કરવાનું ટાળે છે. પરંતુ હવે વરઘોડામાં બેન્ડ-વાજા, ઘોડા અને લાઈટો વચ્ચે એક કુલર પણ જોવા મળશે, જે નાચતી વખતે જાનૈયાઓને ઠંડક આપશે.

14 સેકન્ડની આ ક્લિપમાં જોઈ શકાય છે કે વરઘોડો ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. લોકો ઉત્સાહથી નાચી રહ્યા છે. ત્યાં ઘણો પ્રકાશ છે, અને જાનૈયાઓ પણ જોશમાં જોવા મળે છે. વરઘોડાની સાથે ચાલતી લારી ઉપર એક કુલર છે. તેની સામે વરરાજાના મિત્રો, સંબંધીઓ વગેરે વરઘોડામાં નાચતા હોય છે. ઘણા લોકોએ આ જુગાડને પહેલીવાર જોયો છે. અમે તમને જણાવી દઈએ કે, જનરેટરમાંથી આ કુલર ચાલુ કરીને, વરઘોડામાં ફેરવવામાં આવ્યું હતું, જેથી વરઘોડામાં રહેલા લોકો ખૂબ નાચે અને તેઓને ગરમી પણ ના લાગે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ અદ્ભુત દ્રશ્ય મધ્યપ્રદેશમાં જોવા મળ્યું હતું. જ્યાં કોઈએ મંગળવારે ટીકમગઢના હોસ્પિટલ ચોકમાંથી પસાર થયેલા આ વરઘોડાનો વીડિયો બનાવીને ‘કૂલર વાલી જાન’ના નામે સોશિયલ મીડિયા પર ફેલાવી દીધો. જોકે, વરઘોડો કયા શહેર-નગરનો હતો, વરરાજાનું નામ શું હતું વગેરેની માહિતી બહાર આવી નથી. પરંતુ વરઘોડામાં કુલરનો ઉપયોગ ચોક્કસપણે ચર્ચાનો વિષય બન્યો છે. જણાવવામાં આવ્યું કે આ દિવસોમાં ટીકમગઢનું મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી પર પહોંચી ગયું છે.

Niraj Patel