આજના સમયમાં વજન વધારો એ એક મોટી સમસ્યા બની ગયો છે, તેની પાછળનું કારણ આજની ખાણીપીણી છે, વજન ઓછું કરવા માટે લોકો જાત જાતના પ્રયત્નો કરતા હોય છે, કોઈ નિયમિત કસરત કરતું હોય છે, કોઈ જિમ જતું હોય છે અને કોઈ યોગા દ્વારા કે ડાયટ દ્વારા વજન ઓછું કરવાના પ્રયત્ન કરતું હોય છે. પરંતુ ઘણા લોકો આ નથી કરી શકતા અને વજન ઓછું કરવા માંગે છે.

ત્યારે હવે આવા લોકો માટે એક ખાસ પ્રકારનું ડિવાઈઝ આવી ગયું છે, જે ફક્ત દાંતની વચ્ચે લગાવવાના કારણે જ તમારું વજન ફટાફટ ઓછું કરી નાખશે. આ વાત ઉપર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ બનશે પરંતુ હાલમાં જ એવી તકનીક શોધાઈ છે જેના દ્વારા તમે તમારા વજનને ઓછું કરી શકો છો.

ડેઈલી મેઈલ ડોટ કોમના રિપોર્ટ પ્રમાણે બ્રિટન અને ન્યુઝીલેન્ડના વૈજ્ઞાનિકોએ વજન ઘટાડવાનું ઉપકરણ બનાવ્યું છે જે દાંતને એકસાથે જોડવા માટે ચુંબક અને લોકીંગ બોલ્ટનો ઉપયોગ કરે છે. ન્યુઝીલેન્ડની ઓટાગો યુનિવર્સિટીના સંશોધકો દ્વારા બનાવવામાં આવેલ, ડેન્ટલ સ્લિમ ડાયેટ કંટ્રોલ ડેન્ટિસ્ટ પ્રોફેશનલ્સ દ્વારા ઉપલા અને નીચેના દાંત પર લાગુ કરવામાં આવે છે.
આ ઉપકરણ પહેરનાર વ્યક્તિ તેનું મોં લગભગ 2 મીમી સુધી ખોલી શકે છે. તેમને લિક્વિડ ડાયટ સુધી સીમિત કરે છે, પરંતુ વાત કરવામાં અને શ્વાસ લેવામાં કોઈ સમસ્યા નથી થતી.
એકવાર દાંતમાં ફીટ થઈ ગયા પછી, ઉપકરણનો હેતુ નક્કર ખોરાકને ખાવાથી અટકાવવાનો છે.

ઉપકરણના નિર્માતાઓએ તેને ‘બિન-આક્રમક’ તરીકે વર્ણવ્યું છે, એટલે કે દાંતની વારંવાર ચાવવાની પ્રક્રિયાને અટકાવે છે. બ્રિટિશ ડેન્ટલ જર્નલમાં આ ઉપકરણના અજમાયશમાં સહભાગીઓએ બે અઠવાડિયામાં સરેરાશ 6.36 કિલો વજન ઘટાડ્યું. ઉપરાંત જે સહભાગીઓ વજન ઘટાડી રહ્યા છે તેઓ આ સફરને આગળ પણ ચાલુ રાખવા માંગે છે જેથી તેમનું વજન હજી વધુ ઘટાડી શકાય.