વધુ એક માવઠું નક્કી? આ તારીખોમાં ગુજરાતનું હવામાન પલટાશે, અંબાલાલ પટેલે ચેતવ્યા
હજુ તો ઉનાળાની શરૂઆત થઇ છે, પરંતુ માર્ચ મહિનાથી જ શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ ત્રણ ઋતુ જોવા મળી રહી છે. જો કે હાલમાં તો બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે અને આગામી 5 દિવસમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. ચાલુ વર્ષનો ઉનાળો આકરો રહેશે એટલે કે બધાએ કાળઝાળ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે, ધીરે-ધીરે ગરમી વધતી જશે અને કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી જેટલું પહોંચી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં 41 ડિગ્રી થવાની શક્યતા છે. 17 માર્ચથી 20 માર્ચ દરમિયાન હવામાનમાં પલટો આવવાની તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા છે. દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે.
21થી 22 માર્ચ દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારોમાં હિમ વર્ષાની શક્યતા રહેશે. ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવવાનું કારણ બંગાળના ઉપસાગરના ભેજની અસર અને અરબ સાગરના ભેજની અસર હોઇ શકે છે. આ ઉપરાંત અંબાલાલે વધુમાં જણાવ્યુ કે- હોળીના દિવસે ગરમી વધેશે અને ક્યાંક વાદળછાયું વાતાવરણ રહેશે. 26થી28 માર્ચે વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ 1 એપ્રિલ સુધીમાં વાદળછાયું રહેશે.
જ્યારે મહારાષ્ટ્રમાં હવામાન પલટાઇ શકે છે. જેના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોનું હવામાન પલટાવવાની શક્યતા રહેશે. એટલે માર્ચ માસ ભારે ગરમીવાળો, પવનની ડમરી સાથે વાદળવાયું અને બેવડી ઋતુવાળો રહેશે. ખાસ કરીને ભેજનું પ્રમાણ વધશે. અંબાલાલે કોઈ-કોઈ ભાગમાં આંધી વંટોળ સાથે હળવા વરસાદની પણ શક્યતા વ્યક્ત કરી છે.