ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને તો ઘણા લોકો આર્થિક તંગી, દેવા અને પ્રેમ પ્રસંગોના કારણે પણ આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલ એવા જ એક આપઘાતની ઘટના વિસાવદરમાંથી સામે આવી છે. જ્યાંની મામલતદાર કચેરીમાં ફરજ બજાવી રહેલા એક GRD જવાને ચાલુ ફરજ પર જ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું.
આ GRD યુવકનું નામ આસિફ યુસુફભાઈ સિપાઈ હતું, જેની ઉંમર 25 વર્ષની હતી અને તે વિસાવદરની મામલતદાર કચેરી ખાતે રાત્રીના સમયે ફરજ પર હતો અને આ દરમિયાન જ તેણે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આસિફે આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી, જેને પોલીસે કબ્જે કરી છે. આસિફ ત્રણ બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો અને પરિવારનો પણ એકમાત્ર કમાઉ દીકરો હતો. તેના નિધન બાદ પરિવાર માથે પણ દુઃખોનું આભ તૂટી પડ્યું છે.
આસિફે લખેલી સુસાઇડ નોટમાં તેને જણાવ્યું હતું કે “પપ્પાથી કામ થતું નથી. તે હવે ઊભા પણ થઈ શકતા નથી. છતાં પણ છેલ્લા છ મહિનાથી સમય માગ્યો અને કહ્યું “પપ્પા, એક મોકો આપો, બધું ઠીક થઈ જશે, પણ હવે બધું બગડ્યું. પરીક્ષામાં બસ ભાડું મફત કરવાથી કોઈ ફેર નથી પડતો. જિંદગીની 50 ટકા ઉંમર પૂરી થઈ ગઈ. કદાચ કંપનીમાં નોકરીએ લાગ્યા હોત તો અત્યારે પાંચ વર્ષનો અનુભવ થઈ ગયો હોત અને સારો પગાર થઈ જાત.”
આસિફે આગળ લખ્યું કે “આ વખતની પરીક્ષામાં પૂરો વિશ્વાસ હતો કે લાગી જઈશું. યાદ રહેતું ન હતું તોપણ કોડિંગ ભાષાથી બધું શીખ્યું. પરિવારમાં એક કમાણી પર બધું હોય તેને ખબર હોય. 100 દિવસ શું છે એ વિદ્યાર્થી અને સામાન્ય લોકોને જ ખબર હોય. ખરેખર બોર્ડનું કામ હતું કે પરીક્ષાનું પેપર ફૂટે નહીં. પરીક્ષા મોકૂફ રાખી બોર્ડે કોઈ મહાન કામ કર્યું નથી. પપ્પાની હાલત જોઈ રોજ રડવું આવે છે. શું કરવું ખબર નથી પડતી.”
તેણે આગળ એમ પણ લખ્યું કે, “એક ભાઈ તરીકે આજ સુધી કંઈ આપી શક્યો નથી. મારા પગારની થોડીક મૂડી છે એ બહેનો તમે લઈ લેજો, કારણ કે અમદાવાદમાં ભાડું વધતું જશે. બસ, સબર કરજો. અલ્લાહના ફરીસ્તા સમજી મારી મિલકતની હકદાર મારી બહેનો તમે ખુશીથી લઈ લેજો. મારી પાસે દાન કરવા બીજું કશું નથી, નોકરી મેળવી બહેનોને મકાન અને ભાણિયાને ભણાવવા હતા, પણ સપનું અધૂરું રહી ગયું.”