ગુજરાતના આ ગામમાં શિક્ષણનો હતો અભાવ, વોચમેન તરીકે નોકરી કરતા આ બે યુવાનોએ કરી નાખી આખા ગામની કાયા પલટ, જુઓ ગુજરાતના અનોખા ગામ વિશે

ભણવાના બદલે ગામના યુવાનો રખડવામાં અને મોબાઈલમાં સમય વેડફતા હતા, પછી વૉચમૅનમાં નોકરી કરતા બે યુવાનોએ કર્યું એવું કામ કે આજે ગામના યુવાનો સરકારી નોકરીમાં લાગી રહ્યા છે.. જાણો એવું તો શું કર્યું ?

જો ગામના યુવાનો ઈચ્છે તો ગામની સકલ કેવી રીતે બદલી શકે તેની પ્રેરક સત્ય વાત આપ સૌ સાથે વહેંચવી છે. મુન્દ્રા તાલુકામાં વવાર નામનું લગભગ 2000 માણસોની વસ્તી ધરાવતું ગઢવીઓનું એક ગામ છે. માર્ગદર્શનના અભાવને લીધે ગામના યુવાનો અભ્યાસ કરવાને બદલે થોડું ભણીને કોઈ કામે લાગી જાય. ભૂતકાળમાં એક સમય તો એવો હતો કે આ ગામની છાપને કારણે કોઈ પોતાની દીકરી આ ગામમાં આપતા પહેલા સતર વખત વિચાર કરે કારણ કે વ્યસન અને બીજા અનિષ્ટો પણ હતા.

વવાર ગામની સ્થાપના આજથી 700 વર્ષ પહેલા થઇ હોવાનું માનવામાં આવે છે. ગામમાં ચારણ સમાજનું પ્રભુત્વ છે. ગામમાં 400 જેટલા મકાન આવેલા છે. આ ગામનાં લોકો વર્ષો જુની પરંપરાને આજે પણ વળગી રહ્યા છે. ગામના લોકો ક્યારેય પણ સિમેન્ટથી બનેલી પાક્કી છતવાળું મકાન બનાવતા નથી. આખું ગામ નળિયાથી બનેલી છત નીચે જ રહે છે.

ગામના બે યુવાનો એક કંપનીમાં વોચમેન તરીકે નોકરી કરતા હતા. માણેક ગઢવી માત્ર 9 ધોરણ ભણેલા અને મેઘરાજ ગઢવી વોચમેન તરીકે નોકરી કરતા કરતા ભણતો હતો. અમુક વર્ષો પહેલા જ્યારે ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત આવી ત્યારે વોચમેન તરીકે કામ કરતા મેઘરાજ ગઢવીએ ફોર્મ ભર્યું. શારીરિક કસોટી પાસ કરી લીધી પણ લેખિત પરીક્ષા વિશે વધુ જાણકારી નહોતી એટલે તૈયારી કરવા માટે કંપનીમાં રજા મુકીને ગાંધીનગર ગયો. ખૂબ મહેનત કરી અને પરિણામ રૂપે પરીક્ષા પાસ પણ કરી લીધી.

વોચમેન મેઘરાજ હવે ખાખી પહેરવા લાગ્યો. ગામના કિશોરો અને યુવાનો પણ વ્યસનમુક્ત બનીને પોતાની કારકિર્દી બનાવે એ માટે ગામમાં કંઈક કરવાનું મેઘરાજ નક્કી કર્યું અને મિત્ર માણેકને આ વાત કરી. બંને મિત્રોએ નક્કી કર્યું કે ગામના દીકરા-દીકરીઓની ઊર્જા ખંડનાત્મક કાર્યમાં નહિ પણ રચનાત્મક કાર્યમાં વપરાય અને એની કારકિર્દી બને એ માટે એમને સ્પર્ધાત્મક પરીક્ષાઓની ગામમાં જ તૈયારી કરાવીએ. સંકલ્પ મોટો હતો પણ એને પૂર્ણ કરવા માટે કોઈ જ સાધન-સામગ્રી નહોતી.

માણેકભાઈએ ભૌતિક સુવિધા ઊભી કરવાની જવાબદારી સ્વીકારી તો વિદ્યાર્થીઓને માહિતી, માર્ગદર્શન, કોચિંગ, પુસ્તકો વગેરે આપવાની જવાબદારી મેઘરાજભાઈએ સંભાળી. ઘણાંને એવું લાગ્યું હશે કે નાના અને સુવિધાઓના અભાવ વાળા ગામમાં આવું કંઇ ન થાય. લોકોની વાતોને કાંઈ ધર્યા વગર જે ગામના એક પણ મકાનને પાકી છત નથી એ ગામમાં આ બંને મિત્રોએ શિક્ષણ સેવા યજ્ઞ શરૂ કર્યો. ખૂબ સંઘર્ષ કરવો પડ્યો અને ઘણું માનસિક કષ્ટ પણ સહન કરવું પડ્યું પણ હિંમત હાર્યા વગર કામ આગળ વધાર્યું. મહેનતનું ફળ પણ મળ્યું અને ગામનાં બીજા ત્રણ યુવાનો પણ સરકારી નોકરીમાં લાગી ગયા.

સફળતા મળતાં બંને મિત્રોનો ઉત્સાહ વધ્યો. પછી તો સરકારી સેવામાં લાગેલા વિરામ ગઢવી જેવા બીજા યુવાનો પણ જોડાયા અને એક મંડળ તૈયાર થયું. ઇષ્ટદેવ મોરદાદાના નામથી એજ્યુકેશન ટ્રસ્ટ બનાવ્યું. શરૂઆતમાં ખૂબ મુશ્કેલી પડતી હતી પછી ધીમે ધીમે લોકોનો સપોર્ટ મળવા માંડયો. વિદ્યાર્થીઓ ભણી શકે અને વાંચી શકે એ માટે એક હોલ બનાવ્યો. હાલમાં બેન્ચ, ડિજિટલ સ્ટડી માટે મોટું ટી.વી., પુસ્તકો માટે લાઇબ્રેરી જેવી સુવિધા ઊભી કરી. કચ્છના આ ખારી વિસ્તારમાં ગરમી બહુ પડે એટલે દાતાઓના સહયોગથી બે એ.સી. વસાવીને હોલને વાતાનુકૂલિત કર્યો.

છેક ગાંધીનગરથી નિષ્ણાત ફેકલ્ટીઓ ગામડા સુધી ખેંચી લાવે અને વિદ્યાર્થીઓને એનો લાભ અપાવે. માત્ર સ્પર્ધાત્મક પરીક્ષા જ નહિ અભ્યાસની બીજી બાબતોમાં પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે છે.ગામના વિદ્યાર્થીઓ મોબાઈલમાં અને રખડવામાં પોતાનો સમય બગાડતા હતા એ હવે હાથમાં ચોપડી લઈને વાંચતા થયા. ગામનું આખું વાતાવરણ બદલાવા લાગ્યું. હમણાં પોલીસ ભરતી માટે જે પરીક્ષા લેવાઈ એ પરીક્ષામાં નાના એવા આ ગામના ૪૨ દીકરાઓ અને ૨ દીકરીઓએ શારીરિક કસોટી પાસ પણ કરી લીધી.

હજુ હમણાં જ આવેલા ફોરેસ્ટ વિભાગની ભરતીના પરિણામમાં પણ આ ગામના ૪ વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા.જે ગામ એક સમયે ગુનાઓ માટે અને વ્યસન માટે પંકાયેલ હતું એ ગામ શિક્ષણ માટે આસપાસના વિસ્તારમાં પ્રસિદ્ધિ પામ્યું છે. આ ગામના શિક્ષણ સેવા યજ્ઞને જોવા માટે સિનિયર આઇ.એ.એસ., આઇ.પી.એસ. અને ગુજરાત સરકારના અધિકારીઓ પણ આવી ચૂક્યા છે.સાવ સામાન્ય ગણાતા માણસો પણ કેવું અસામાન્ય કામ કરી શકે છે તેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. દરેક ગામમાં જો માણેક અને મેઘરાજ જેવા યુવાનોની ટીમ તૈયાર થયા તો ગામની રોનક બદલી જાય.

સૌજન્ય : Shailesh Sagpariya

Shah Jina