વલસાડમાં “માત્ર 8000 રૂપિયા ખર્ચી અને કરોડોનો વરસાદ થઇ જશે” એવું કહેનારા ધુતારા તાંત્રિકના થયા એવા હાલ કે…

આજના સમયમાં પૈસાની જરૂરિયાત કોને નથી હોતી, વળી કોરોના કાળની અંદર ઘણા લોકોના નોકરી ધંધા પણ છૂટી ગયા છે અને પૈસા કમાવવા માટે તે નાના મોટા કામ પણ કરવા માટે તૈયાર થઇ જાય છે, ત્યારે આવા સમયમાં લોકોને ઉલ્લુ બનાવીને પૈસા પાડવાનારા લોકોની ખોટ પણ નથી. ભણેલા ગણેલા લોકોને ઘણા ઓનલાઇન છેતરપીંડીનો ભોગ બનાવતા હોય છે તો ગામડામાં રહેતા ઓછું ભણેલા અને અભણ લોકોને તાંત્રિક ઠગો પોતાના શિકંજામાં ફસાવતા હોય છે.

હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે વલસાડથી. જ્યાં માત્ર 8 હજાર રૂપિયા આપી અને કરોડો રૂપિયાનો વરસાદ કરાવી આપનારા કચ્છ માધાપરના ભરત બાપુની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ ઠગ તાંત્રિક ભરત બાપુના વલસાડ જિલ્લાના છેવાડે આવેલા આદિવાસી વિસ્તાર કપરાડા તાલુકામાં ઘણા બધા ભક્તો પણ છે, જે તેમની મહિમાના ગુણગાતા થાકતા પણ નથી.

પરંતુ આ દરમિયાન વારોલીના મયુરભાઈ ભુસારના ઘરે ભરત બાપુએ આવીને વિધિ કરી હતી, પરંતુ ત્યારબાદ રૂપિયાનો કોઈ વરસાદ ના થયો, જેના કારણે પરિવાર માટે આર્થિક સંકટ આવી પડ્યું હતું. ભગત દ્વારા એવી પ્રસાદી ચઢાવવામાં આવી કે પરિવારના ચાર સભ્યોએ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.

ભરત બાપુએ રાજા છાપ રૂપિયાના જુના સિક્કા ઉપર 8 હજાર રૂપિયા ખર્ચી અને મેલી તાંત્રિક વિદ્યા કરી અને 22 કરોડ ખેંચી લાવીશ તેવી લાલચ આ પરિવારને લાલચ આપી હતી. જેના બાદ વિધિ કરવા માટે તાંત્રિક કપરાડા તાલુકાના વારોલી તલાટ ગામે લાવ્યો હતો.  જ્યાં  મયુર ભાઈ અને તેના મિત્ર રમેશ પાસેથી અંદાજે 17 હજાર રૂપિયા એડવાન્સમાં લીધા હતા. જેના બાદ વિધિનો સામાન લેવા માટે તાંત્રિક ઠગ ભગત યુવકો પાસે કાર ભાડે કરાવીને મહારાષ્ટ્ર્ના ગોદાવરી ઘાટ ઉપર ગયો હતો.

ત્યાંથી પરત ફર્યા બાદ ઠગ ભટે વિધિ આરંભી હતી, વિધિમાં ભગતે ચોખાનું કુંડાળું કરી અને વચ્ચે લક્ષ્મી માતાનો ફોટો મૂકયો હતો. ત્યાર બાદ તંત્ર મંત્રના જાપ કર્યા હતા અને પ્રસાદના નામ ઉપર આ ઠગ ભગતે પરિવારને ધતુરાનું પાણી પીવડાવ્યું હતું. જેના બાદ પરિવારજનો અર્ધબેભાન થતા જ વિધિમાં મુકેલા રૂપિયા લઈને ફરાર થવાની ફિરાકમાં હતો.

પરંતુ આજ સમયે એક યુવક અને માજીને ભાન આવી જવાના કારણે ધુતારાનો પર્દાફાશ થયો હતો અને બંનેએ મળીને આ ધુતારા બાપુને ઘરમાં જ બંધ કરી દીધો હતો. જેના બાદ બધા લોકોને ભાન આવતા આ ઠગ ભગત ભરત બાપુને થાંભલા સાથે બાંધી દઈને બરાબરનો મેથીપાક પણ ચખાડ્યો હતો અને પછી પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે આ ઠગ ભગતને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Niraj Patel