Vaibhavi Upadhyaya Fiance Emotional post : થોડા દિવસ પહેલા જ ગુજરાતી ફિલ્મો અને હિન્દી ધારાવાહિકની ખ્યાતનામ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું એક કાર અકસ્માતમાં મોત થયું હતું. ત્યારે આ મોત બાદ ઇન્ડસ્ટ્રીમાં પણ માતમ છવાયો હતો. અભિનેત્રી તેના મંગેતર સાથે હિમાચલના પ્રવાસે ગઈ હતી અને ત્યાં તેની કાર અકસ્માતનો ભોગ બની જેમાં વૈભવીને ગંભીર ઈજાઓ થતા તે મોતને ભેટી હતી, જયારે તેના મંગેતરને પણ ઈજાઓ થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
હવે જય ગાંધીએ પોતાની મંગેતર અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયને યાદ કરીને એક ભાવુક પોસ્ટ લખી છે. સાથે જ પહેલીવાર વૈભવી ઉપાધ્યાય સાથેની તસવીર પણ શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, 24 મે, બુધવારે મુંબઈમાં વૈભવી ઉપાધ્યાયના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં જેડી મજીઠીયા ઉપરાંત ગૌતમ રોડે પણ હાજર રહ્યા હતા. વાયરલ વીડિયોમાં ગૌતમ સ્મશાનભૂમિ પર પોતાની આંખોમાંથી આંસુ લૂછતો જોવા મળ્યો હતો. વૈભવીના નિધનથી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે.
તાજેતરમાં, અભિનેત્રી વૈભવીના મંગેતર જય ગાંધીએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી. તે પોસ્ટમાં વૈભવી અને જય એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા. આ તસવીરની સાથે જયએ એક ખૂબ જ ક્યૂટ નોટ પણ શેર કરી હતી, જેમાં લખ્યું હતું, “દરરોજ દરેક મિનિટ હું તને યાદ કરું છું. તું આવી રીતે ના જઈ શકે. હું તને મારા હૃદયમાં સદાકાળ સુરક્ષિત રાખીશ. તું બહુ જ જલ્દી ચાલી ગઈ મારી ગુંડી. હું તને પ્રેમ કરું છુ.’
આ પોસ્ટ શેર કર્યાના થોડા સમય બાદ જ જયએ પોતાનું એકાઉન્ટ પ્રાઇવેટ કરી દીધું હતું. થોડા દિવસો પહેલા આ ઘટના વિશે વાત કરતા જયએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘હંમેશા એવી કલ્પના હોય છે કે તમે રોડ ટ્રીપમાં સ્પીડમાં છો, પરંતુ એવું નહોતું. અમારી કાર ઉભી રહી ગઈ હતી અને ટ્રક પસાર થવાની રાહ જોઈ રહ્યા હતા.. હું વધારે વાત કરી શકવાની સ્થિતિમાં નથી, પરંતુ હું એ સુનિશ્ચિત કરવા માંગતો હતો કે લોકો એ ન સમજે કે અમે સીટ બેલ્ટ પહેર્યા ન હતા અથવા તો વધુ ઝડપે વાહન ચલાવી રહ્યા હતા.”